રાજકોટમાં નિવૃત બેન્ક મેનેજરને ડિજિટલ એરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવનાર ગેંગના 6 શખસોને રાજકોટ સાયબર ક્રાઈમની ટીમે દબોચી લીધા હોવાનુ જાણવા મળી રહ્યું છે. મની લોન્ડરિંગના રૂપિયા તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલ છે કહીં 4 દિવસ વૃદ્ધને પોતાના ઘરમાં જ એરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવી લીધાં હતા. સાયબર ક્રાઈમની ટીમે રાજ્યભરમાં દરોડા પાડી જે એકાઉન્ટમાંમાં રૂપિયા ટ્રાન્સફર થયા તે બનાસકાંઠાના 3, અમદાવાદના 1 અને જૂનાગઢના 2 શખસને ઉઠાવી લીધા હોવાનુ જાણવા મળી રહ્યું છે. જોકે, ફ્રોડ કંબોડિયાથી થયું હોવાની વાત સામે આવી રહી છે પરંતુ, આરોપીઓની પૂછપરછ બાદ કયા પ્રકારની મોડસ ઓપરેન્ડીથી લોકોને ડિજિટલ એરેસ્ટ કર્યા અને અન્ય કેટલા લોકો સાથે છેતરપીંડી કરી તેનો ખુલાસો થશે.
રાજકોટ DCP ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજકોટના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં આજથી ત્રણ માસ પહેલા એક ફરિયાદ આવી હતી. જેમાં ફરિયાદી દ્વારા એ પ્રકારની હકીકત જાહેર કરવામાં આવી હતી કે, તેમને એક ફોન આવ્યો હતો અને એ ફોનમાં એવું કહેવામાં આવ્યું હતું કે, તમારા બેન્ક એકાઉન્ટનો મની લોન્ડ્રિંગ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે તેનું વેરિફિકેશન ખૂબ જ જરૂરી છે અને તેના માટે અમુક પૈસા જમા કરાવવા પડશે તો જ તેઓની તપાસ આગળ વધી શકશે. આ રીતે વૃદ્ધને ડરાવીને તેમની પાસેથી પહેલા 11 જુલાઇ અને તે પછી 10 દિવસ બાદ ફરી પૈસા ટ્રાન્સફર કરાવીને કુલ રૂ. 56 લાખ જમા કરાવ્યા હતા. જેના 15 દિવસ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.