આજે તિથિ, વાર અને નક્ષત્રના સંયોગમાં ભગવાન કાર્તિકેયની પૂજા અને વ્રત કરવામાં આવશે. જેને સ્કંદ છઠ્ઠ કહેવામાં આવે છે. આ ભગવાન કાર્તિકેયને સમર્પિત તહેવારમાંથી એક છે. સ્કંદ છઠ્ઠને કાર્તિકેય ષષ્ઠીના નામથી પણ ઓળખવામાં આવે છે. કેમ કે ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદ કુમાર પણ છે. ભગવાન કાર્તિકેયની પૂજાનું ખાસ પર્વ બુધવારે સિદ્ધિ યોગમાં ઊજવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી બધા પ્રકારના કષ્ટોનું નિવારણ થઈ જાય છે.
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રએ જણાવ્યું કે સ્કંદ છઠ્ઠનું વ્રત કરનાર લોકોને લોભ, મોહ, ગુસ્સો અને અહંકારથી મુક્તિ મળી જાય છે. ધન, યશ અને વૈભવમાં વધારો થાય છે. વ્યક્તિને શારીરિક કષ્ટો અને રોગથી પણ છુટકારો મળી જાય છે.
સ્કંદ છઠ્ઠ વ્રતનું મહત્ત્વ
ભગવાન મુરૂગને સોરપદ્મન અને તેના ભાઈ તારકાસુર અને સિંહમુખનો છઠ્ઠ તિથિમાં વધ કર્યો હતો. સ્કંદ છઠ્ઠનો આ દિવસ વિજયનું પ્રતીક છે. ભગવાન મુરૂગને વેલ અથવા લાંસ નામના પોતાના હથિયારનો ઉપયોગ કરીને સોપદ્મનનું માંથુ ધડથી અલગ કર્યું. કપાયેલાં માથામાંથી બે પક્ષી બહાર આવ્યાં. એક મોર- જે કાર્તિકેયનું વાહન બન્યું અને એક મરઘો જે તેમના ધ્વજનું પ્રતીક બની ગયું.
સ્કંદ છઠ્ઠ વ્રતની કથા પ્રમાણે ચ્યવન ઋષિની આંખનું તેજ જતું રહ્યું હતું ત્યારે તેમણે સ્કંદકુમારની પૂજા કરી હતી. વ્રતના પ્રભાવથી તેમની આંખનું તેજ પાછું આવી ગયું હતું.