Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઉત્તર ગુજરાતમાં બુધવારે ડીસાને બાદ કરતાં 4 શહેરમાં ઠંડી 2 ડીગ્રી સુધી વધી હતી. પાટણનું 9.5 ડીગ્રી અને હિંમતનગરનું 10.7 ડીગ્રી સીઝનનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. મહેસાણામાં ઠંડીનો પારો સવા ડીગ્રી જેટલો ઘટીને 10.4 નોંધાયો હતો. અંગ ધ્રુજાવતી ઠંડી અને ચાબકા મારતા ઠંડાહેમ પવન ગુરુવારે પણ યથાવત્ રહેશે. ત્યાર બાદ વાતાવરણમાં પલટો આવતાં ઠંડીનું જોર ઘટવાનું શરૂ થશે.


પાટણ ઉત્તર ગુજરાતનું સૌથી ઠંડું શહેર રહ્યું
અત્યારસુધીની સીઝનમાં બુધવારે પ્રથમ વખત ઉત્તર ગુજરાતનાં મુખ્ય 5 પૈકી 4 શહેરનું તાપમાન 11 ડીગ્રીથી નીચે આવ્યું હતું તેમજ 9.5 ડીગ્રી સાથે પાટણ ઉત્તર ગુજરાતનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. ઠંડા પવનના કારણે લોકોએ થથરાવતી ઠંડીનો સામનો કરવાનો વારો આવ્યો છે. બીજી બાજુ, ઠંડા પવનના કારણે દિવસનું તાપમાન પણ સવા 2 ડીગ્રી જેટલું ઘટ્યું હતું.

દિવસભર ઠંડી અનુભવાઈ
આ દરમિયાન મુખ્ય 5 શહેરમાં દિવસનું તાપમાન 23.1થી 23.9 ડીગ્રીની વચ્ચે રહ્યું હતું. એને લઇ સૂર્યપ્રકાશથી દૂર રહેવું દિવસભર મુશ્કેલીભર્યું હતું. ઘર, દુકાનો અને ઓફિસોની અંદર હાથ-પગ જાણે થીજી ગયા હોય એવી દિવસભર ઠંડી અનુભવાઇ હતી.

ગુરુવારે પણ કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાક એટલે કે ગુરુવારે પણ કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. જોકે શુક્રવારથી પવનની દિશા બદલાતાં ઠંડીનું જોર ઘટવાનું શરૂ થઇ શકે છે, એટલે કે 6થી 9 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાત પરથી મોટા ભાગે પશ્ચિમ દિશાનો પવન ફૂંકાતાં હવામાં ભેજનું પ્રમાણ વધી શકે છે. જેને લઇ ઠંડીનું જોર 2થી 4 ડીગ્રી ઘટી શકે છે. આ દરમિયાન વાતાવરણ આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે.