વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિ માટેની દરખાસ્તમાં ઇ-કેવાયસી ફરજીયાત કરાતાં બાળકો, વાલીઓ અને શિક્ષકો તમામ ભણવાનું, ભણાવવાનું અને ધંધા-રોજગાર પડતાં મૂકીને ઇ-કેવાયસી કરાવવા ધંધે લાગ્યા છે. સરકારના આ એક નિર્ણયે વાલીઓ અને બાળકોને રેશનકાર્ડ, બેંક અને આધારકાર્ડની લાઇનમાં ઊભા કરાવી દીધા છે તો શિક્ષકો અભિમન્યુના સાત કોઠા વિંધવા જેવી લાંબી લચક માહિતી પોર્ટલમાં ભરવાની હોઇ બાળકોને ભણાવવાનું તો ઠીક માનસિક તાણ અનુભવી રહ્યા છે.
સાહેબ, હવે મારે શિષ્યવૃત્તિ નથી જોઈતી શિષ્યવૃત્તિ માટે રેશનકાર્ડમાં ઇ-કેવાયસી ફરજીયાત કરાતાં અને બીજા પુરાવા ભેગા કરવા સામાન્ય વ્યક્તિ માટે અઘરું થઇ ગયું છે. તેવામાં સુઈગામ તાલુકાના મસાલી ગામના ધોરણ 9ના વિદ્યાર્થી મકનસિંહ જાડેજાની એક અરજી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં તેણે પોતાની માધપુરા શાળાના આચાર્યને ઉદ્દેશીને લખ્યું છે કે, શિષ્યવૃતિ માટે ઉપલા બધા કાગળને આધાર પુરાવા અપડેટ માંગવામાં આવે છે કે મારા માતા-પિતાને વારંવાર તાલુકાએ ધક્કા ખાધા પછી પૂરું થતું નથી. તેથી કંટાળીને મારા મમ્મીએ કહ્યું છે કે આપણે શિષ્યવૃતિ જોઈતી નથી. બાળકની આ અરજી બાદ સમગ્ર રાજ્યમાં શિષ્યવૃત્તિનો મામલો ચર્ચાની એરણે ચડ્યો છે.