ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચેની 2 ટેસ્ટ મેચની શ્રેણીની બીજી અને અંતિમ મેચ ત્રિનિદાદ (પોર્ટ ઓફ સ્પેન)ના ક્વિન્સ પાર્ક મેદાન પર રમાઈ રહી છે. વેસ્ટઈન્ડિઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટે ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. પહેલા દિવસના સ્ટમ્પ્સ સુધીમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે 288 રન બનાવ્યા છે. દિવસના અંત સુધીમાં વિરાટ કોહલી 87 રને અને રવીન્દ્ર જાડેજા 36 રને અણનમ પરત ફર્યા છે. બન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે 106* રનની પાર્ટનરશિપ થઈ છે.
500મી ઈન્ટરનેશનલ મેચ રમી રહેલા કોહલીએ 30મી ટેસ્ટ ફિફ્ટી ફટકારી છે. તો કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ કારકિર્દીની 15મી ટેસ્ટ ફિફ્ટી મારી હતી. રોહિત 80 રન બનાવીને આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલે પહેલી અડધી સદી મારી હતી. જયસ્વાલે 57 રન, શુભમન ગિલે 10 રન અને અજિંક્ય રહાણેએ 8 રન બનાવ્યા હતા.
છેલ્લી મેચમાં ડેબ્યૂ કરનાર યશસ્વી જયસ્વાલે પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ફિફ્ટી ફટકારી છે. તેણે 74 બોલમાં 57 રન બનાવ્યા હતા. જયસ્વાલ જેસન હોલ્ડરે મેકેન્ઝીના હાથે કેચ આઉટ થયો હતો.
રોહિત-જયસ્વાલની સદીની ભાગીદારી
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની ઓપનિંગ જોડીએ સદીની ભાગીદારી નોંધાવી છે. બંનેએ પ્રથમ વિકેટ માટે 194 બોલમાં 139 રન જોડ્યા હતા. પ્રથમ મેચમાં આ જોડીએ 229 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી.