બેંગલુરુમાં એક મહિલાને મંદિરમાંથી ઢસડીને બહાર લઈ જવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે મહિલાને લાત અને થપ્પડો મારવામાં આવી રહી છે અને ઢસડીને મંદિરની બહાર લઈ જવામાં આવી રહી છે. મંદિરના પૂજારીએ પોલીસને જણાવ્યું કે મહિલા ભગવાનને પોતાનો પતિ બતાવીને ગર્ભગૃહમાં તેમની બાજુમાં બેસવાની જીદ કરી રહી હતી.
વાઈરલ થઈ રહેલા આ એક મિનિટ 17 સેકન્ડના વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ બારી પાસે ઉભેલી મહિલા સાથે વાત કરે છે, પછી તેના વાળ ખેંચીને મંદિરના ગેટ સુધી લઈ જાય છે. મહિલા ગેટ પાસે ઊભી થાય છે અને ફરીથી અંદર આવે છે, ત્યારે તે તેને થપ્પડ મારીને નીચે પાડી દે છે, પછી તેને ફરીથી તેને ઢસડીને બહાર લઈ જાય છે.
મંદિરની બહાર લઈ જઈને તેને ફરીથી માર મારે છે. આ હોવા છતાં તે ઉઠીને મંદિરની અંદર જવાનો પ્રયાસ કરે છે, ત્યારે ગેટ પાસે ઉભેલા પૂજારી તેને રોકે છે. આ દરમિયાન તે વ્યક્તિ એક ડંડો લઈને આવે છે અને તે મહિલાને ત્યાંથી ભગાડી દે છે.
મંદિરમાં મહિલા સાથે મારપીટની આ ઘટના 21મી ડિસેમ્બરની છે. જેનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે પીડિતા હેમવતીએ અમૃતહલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે અમૃતહલ્લી વિસ્તારમાં લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરના ધર્મદર્શી મુનીકૃષ્ણએ તેમની સાથે મારપીટ કરી હતી. પોલીસે મુનીકૃષ્ણ વિરુદ્ધ IPCની કલમ 354 હેઠળ ફરિયાદ દાખલ કરી છે.
પૂજારીનો દાવો - મહિલા તેમના પર થૂંકી હતી
મંદિરના પૂજારી મુનીકૃષ્ણાએ પોલીસને જણાવ્યું કે મહિલાએ દાવો કર્યો કે ભગવાન વેંકટેશ્વર તેના પતિ છે અને ગર્ભગૃહમાં મૂર્તિની બાજુમાં બેસવા માગતી હતી. જ્યારે તેની જીદ માનવામાં ન આવી ત્યારે તેણે પૂજારી પર થૂંકી દીધું, ત્યારબાદ તેને ત્યાંથી જવા માટે કહેવામાં આવ્યું. જ્યારે મહિલા માનવા તૈયાર ન થઈ તો તેને માર માર્યો અને ઢસડીને બહાર લઈ જવામાં આવી.