છેલ્લા 2 દિવસથી ખરાબ હવામાનને કારણે પાકિસ્તાન અને ગલ્ફ દેશોમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. પાકિસ્તાન, ઓમાન અને યુએઈમાં અત્યાર સુધીમાં 69 લોકોએ જીવ ગુમાવ્યા છે. ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં ભારે વરસાદને કારણે પાકિસ્તાનમાં ઈમર્જન્સી લાદવામાં આવી છે. ત્યાં અત્યારસુધીમાં 50 લોકોનાં મોત થયાં છે.
એ જ સમયે દુબઈમાં ખરાબ હવામાનને કારણે ભારતથી 28 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એમાં ભારત આવતી 13 ફ્લાઈટ્સ અને ભારતથી દુબઈ જતી 15 ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર, પાકિસ્તાનના તમામ પ્રાંતોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યાં 32 લોકો ગંભીર રીતે ઘાયલ છે. ખરાબ હવામાનની સૌથી ખરાબ અસર ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં જોવા મળી રહી છે.
પાકિસ્તાન હવામાન વિભાગે 22 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં ભારે વરસાદ અને કરાં પડવાની ચેતવણી જાહેર કરી છે. દક્ષિણના પ્રાંતો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તોફાન બલૂચિસ્તાનમાં ભારે તબાહી મચાવી શકે છે. ખૈબર પખ્તુનખ્વાના ચિત્રાલ, દાર, સ્વાત, એબોટાબાદમાં વધુ નુકસાન થઈ શકે છે. આ સિવાય પાકિસ્તાનના અન્ય ઘણા પ્રાંતો માટે પણ પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે