રાજકોટ નજીક મુંજકા ગામના અવાવરૂં મેદાનમાં જર્જરીત મકાનમાં માસુમ બાળકીનો દેહ પીંખનાર નરાધમ સામેનો કેસ ચાલી જતાં પોક્સો કોર્ટના ન્યાયધીશે પરપ્રાંતિય શખસને જીવે ત્યાં સુધીની જેલ વાસનો હુકમ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.
દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ
આ કેસની વિગત મુજબ રાજકોટ નજીક આવેલા મુંજકા ગામે રહેતા અને મૂળ મહારાષ્ટ્રનો વતની કિશોર કેશવ તાવડે નામના પરપ્રાંતિય શખસે 8 વર્ષની બાળાને લાલચ આપી અપહરણ કરી અવાવરૂ સ્થળે જર્જરીત મકાનમાં લઇ જઈ હવસનો શિકાર બનાવ્યાની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કિશોર કેશવ તાવડે નામના શખસ સામે પોકસો, અપહરણ અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
તપાસનીશ અને સાહેદોને તપાસવામાં આવ્યા
ઝડપાયેલા શખસ સામેની પ્રાથમિક તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. ત્યારબાદ તપાસનીસ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. જે બાદ સ્પેશિયલ પોકસો કોર્ટમાં કેસની સુનાવણી ચાલવા પર આવતા બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા એપીપી મહેશભાઈ જોશી ઉપસ્થિત રહી ફરિયાદી, તબીબ, ભોગ બનનાર, તપાસનીશ અને સાહેદોને તપાસવામાં આવ્યા હતા.