પર્સનલ લોન પર રિઝર્વ બેન્કની સખ્તાઇ અને સોનાની કિંમતમાં ઉછાળા વચ્ચે દેશમાં ગોલ્ડ લોન વાળા તેજીથી વધી રહ્યા છે. ગત વર્ષે સપ્ટેમ્બરની તુલનાએ આ વર્ષે સપ્ટેમ્બર દરમિયાન 51% વધુ ગોલ્ડ લોન લેવામાં આવી છે. આ દરમિયાન સોનાની કિંમત 41% વધી છે. આ વર્ષે માર્ચમાં ગોલ્ડ લોન માત્ર 15% વધી હતી.
બીજી તરફ સપ્ટેમ્બરમાં પર્સનલ લોન માત્ર 11.4% વધી છે, જે ચાર વર્ષનો સૌથી ધીમો ગ્રોથ છે. જાન્યુઆરી 2023માં ગોલ્ડ લોનનો ગ્રોથ 28% અને પર્સનલ લોનનો ગ્રોથ 13% હતો.
વાસ્તવમાં, ગત વર્ષે નવેમ્બરમાં રિઝર્વ બેન્કે અનસિક્યોર્ડ રિટેલ લોન તેજીથી વધવા પર ચિંતા વ્યક્ત કરી હતી. જેને લઇને બેન્કોને વધુ સતર્કતા રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે ઉપરાંત પર્સનલ લોનનું રિસ્ક વેઇટેજ પણ 100%થી વધારીને 125% કરવામાં આવ્યું હતું. જો કે કેટલીક બાકી ગોલ્ડ લોન પર્સનલ લોનની તુલનાએ ખૂબ ઓછી છે. RBI અનુસાર, 30 સપ્ટેમ્બર સુધી કુલ બાકી ગોલ્ડ લોન રૂ.1.5 લાખ કરોડ હતી. તે 14.3 લાખ કરોડ રૂપિયાની પર્સનલ લોનની બાકી રકમના માત્ર 10.5% છે.