પોષ મહિનાના વદ પક્ષની એકાદશી અને બારસ તિથિએ ભગવાન વિષ્ણુની તલથી પૂજા કરવાની પરંપરા છે. આ બે દિવસોમાં સવારે જલ્દી જાગીને તીર્થ-સ્નાન કર્યા પછી વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે. તે પછી ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. તલથી બનેલી મીઠાઇઓનો નેવેદ્ય ધરાવવામાં આવે છે અને વ્રત દરમિયાન તલથી બનેલી વસ્તુઓનું સેવન કરવામાં આવે છે. પુરાણો પ્રમાણે આ દિવસે તલથી પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે. 18 જાન્યુઆરી, બુધવારે ષટતિલા એકાદશી છે અને તે પછી બીજા દિવસે તલ બારસ વ્રત કરવામાં આવશે.
ષટતિલા એકાદશી અને તલ બારસ
ષટતિલા એકાદશીઃ આ દિવસે 6 પ્રકારે તલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે તેને ષટતિલા એકાદશી કહેવામાં આવે છે. મહાભારત અને પદ્મ પુરાણ પ્રમાણે આ તિથિએ તલના તેલનું ઉબટન, તલ મિક્સ કરેલાં પાણીથી સ્નાન, તલનું ભોજન, તલથી હવન અને તર્પણ કરવાની સાથે જ તલનું દાન કરવાનું હોય છે.
મહત્ત્વઃ આવું કરવાથી દરેક પ્રકારના કષ્ટ અને પાપનો નાશ થાય છે અને મોક્ષ મળે છે. તલથી એકાદશીએ પૂજા અને વ્રત કરવાથી સોનાના દાનનું ફળ મળે છે. સાથે જ, તલનું દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. વિદ્વાનો પ્રમાણે તલનું દાન કરવાથી કન્યાદાન જેટલું પુણ્ય મળે છે.