રાજ્યના ઘણા જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદ તથા પૂરના કારણે હજારો ઘરોમાં પાણી ઘૂસી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે પરંતુ તેમાં સરકારી પરિપત્રને કારણે હજારો પરિવારોને ઘરવખરીની સહાય મળી નથી. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે તા. 10-10-2023ના રોજ કુદરતી આપત્તિમાં સહાય ચૂકવવા અંગે પરિપત્ર બહાર પાડ્યો હતો, જે ભારત સરકારની ગાઇડલાઇન મુજબ હોવાનું પણ જણાવાયું છે. આ પરિપત્રમાં અગાઉ 2015ના વર્ષના પરિપત્રમાં ખેતીની સહાય, કેશડોલ વગેરેની ચુકવણીમાં સુધારા કર્યા છે. આ પરિપત્રમાં ઘરવખરીની સહાય ચૂકવવા અંગે કપડાંની નુકસાની માટે પ્રતિ પરિવાર રૂ. 2500 અને વાસણ અને અન્ય ઘરવખરી માટે રૂ. 2500 પ્રતિ પરિવાર ઠરાવ્યા છે. જોકે આ પરિપત્રમાં ઘરવખરી ચૂકવવા માટે જે શરત મૂકી છે તે આશ્રર્યજનક છે.
આ શરતમાં જેમનું ઘર બે દિવસથી (48 કલાકથી વધુ) પાણીમાં ડૂબેલું હોય તેમને ઉક્ત ઘરવખરી ચૂકવવા જણાવ્યું છે. 48 કલાક ઘરમાં પાણી ભરાયેલાં હોવાં જોઈએની શરતને કારણે રાજ્યમાં ઘરવખરીની નુકસાની થઇ હોવા છતાં ઘણા ગરીબ પરિવારોને સહાયથી વંચિત રાખ્યા છે. નવસારી શહેરમાં 3 વખત નદીનાં પૂરના પાણીથી ઘરવખરીને નુકસાની થઇ છતાં 2 દિવસની શરતથી કોઇને ઘરવખરી ચૂકવાઇ નથી.