આજે નવ ગ્રહોમાં સૌથી ધીમી ગતિ ધરાવતો ગ્રહ શનિ તેની રાશિ બદલી રહ્યો છે. શનિ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિની રાશિ પરિવર્તનની તારીખને લઈને પંચાંગમાં તફાવત જોવા મળે છે . શનિ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આ કારણોસર શનિને 12 રાશિઓનું એક ચક્ર પૂર્ણ કરવામાં લગભગ 30 વર્ષનો સમય લાગે છે.
શનિદેવ સૂર્ય પુત્ર છે
શનિદેવને કર્મના પ્રમુખ દેવતા માનવામાં આવે છે. આ ગ્રહ આપણને આપણાં કર્મોનું ફળ આપે છે. શનિદેવ સૂર્ય અને છાયાના પુત્ર છે, જ્યારે યમુના અને યમરાજ સૂર્ય-સંજ્ઞાના સંતાન છે. આ કારણે શનિ, યમરાજ અને યમુના ત્રણેય ભાઈ-બહેન છે.
શનિ મહારાજ મકર અને કુંભ રાશિના સ્વામી છે
શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે. આ રાશિઓમાં શનિની સ્થિતિ ખૂબ જ મજબૂત રહે છે. જે રાશિમાં શનિ રહે છે, તેની આગળ અને પાછળની રાશિ પાર પણ શનિની પનોતીની અસર હેઠળ રહે છે જેમ કે શનિ કુંભ રાશિમાં રહેશે તો મીન અને મકર રાશિ ઉપર પણ સાડાસાતી રહેશે, આ સાથે જ બે રાશિઓ ઉપર શનિની પડછાયો રહે છે. હવે કર્ક અને વૃશ્ચિક રાશિ ઉપર શનિદેવનો પડછાયો રહેશે.
કુંડળીમાં શનિની શુભ અને અશુભ અસરો
પં. શર્માના જણાવ્યા પ્રમાણે, જે લોકોની કુંડળીમાં શનિની સ્થિતિ યોગ્ય નથી, તેમને કોઈપણ કાર્યમાં સરળતાથી સફળતા નથી મળતી. શનિના કારણે પગ સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. જેમણે જાણતાં- અજાણતા કોઈ ખોટું કાર્ય કર્યું હોય તો શનિ એ કાર્યોનું ફળ સાડાસાતી પનોતી કે ઢૈયામાં આપે છે. જો જન્મકુંડળીમાં શનિની સ્થિતિ શુભ હોય તો મહેનત ઝડપથી સફળ થાય છે. ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન મળે છે.
શનિદેવ માટે આ શુભ કાર્યો પણ કરવા જોઈએ
શનિ ગ્રહની પૂજા કરવાથી કુંડળીમાં શનિ દોષનો પ્રભાવ ઓછો થઈ શકે છે. દર શનિવારે શનિદેવને સરસિયાના તેલનો અભિષેક કરવો જોઈએ. તેલનું દાન કરવું જોઈએ. આ ગ્રહના દોષોથી મુક્ત થવા માટે હનુમાનજીની પૂજા કરી શકાય છે. માન્યતા પ્રમાણે શનિ હનુમાનજીના ભક્તોને પરેશાન કરતા નથી.