અમદાવાદમાં સાબરમતીના કિનારે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં સંબોધન કરતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ભાજપ અને આરએએસ પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ટ્રમ્પે ટેરીફ લાદ્યો અને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ વિરોધમાં પ્રતિભાવ આપે છે,છતા મોદી તેમની સાથે વાતચીત કરે છે,કયાં ગઇ તેમની 56 ઇંચની છાતી ? તેવો પ્રશ્ન કર્યો હતો. તેલંગણામાં કરાયેલી જાતિ આધારિત જનગણાનાનું ઉદાહરણ આપીને રાહુલે કહ્યું કે,જાતિગત ગણનાની વાત વડાપ્રધાન અ્ને આરએસએસએ સ્વીકારી નહીં,પણ કોંગ્રેસ આવશે એટલે અનામતની 50 ટકાની દિવાલને પણ તોડી નાખશું અને સમગ્ર દેશમાં લાગુ કરીશું.
અધિવેશનમાં ગુજરાતમાં 30 વર્ષ પછી કોંગ્રેસને ફરી સત્તા પર લાવવા માટે ખાસ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ‘નૂતન ગુજરાત, નૂતન કોંગ્રેસ’ના મુદ્રાલેખ હેઠળ ઠરાવમાં ગુજરાતમાં કોંગ્રેસ કેમ જરૂરી છે એ અંગે ચર્ચા કરાઈ હતી. રાહુલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોવીસ કલાક આદિવાસી,ગરીબ,દલિતની વાત કરશે,પણ જયારે તેમને ભાગીદારી આપવાની વાત આવે એટલે ચૂપ થઇ જાય છે.
બીએસએ્નએલ સહિત કેન્દ્રીય સંસ્થાઓનો ઉલ્લેખ કરીને કરીને તેમણે કહ્યું કે, જે સંસ્થાઓમાં દલિત,પછાત વર્ગને સ્થાન મળતું હતુ તે તમામ સંસ્થાઓના દરવાજા તેમના માટે બંધ કરી દીધા છે અને તે સંસ્થાઓ અદાણી,અંબાણીને આપવામાં આવે છે. તેમણે કહ્યું કે,અદાણી અને અંબાણીનું મેનેજમેન્ટ લીસ્ટ કાઢો તો તમને એકપણ આદિવાસી,દલિત,પછાત વર્ગના લોકો મળશે નહીં. આમછતા એક પછી એક સંસ્થાઓ તેમના મિત્રોને સોપી દેવામાં આવે છે.