ગૌતમ અદાણી ગ્રુપની આગેવાની હેઠળ અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસિસ રૂ.20000 કરોડના મેગા FPO માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) ફાઇલ કરી દીધું છે અને એફપીઓ બજેટ પહેલા એટલે કે જાન્યુઆરીની 25 થી 31 વચ્ચે યોજાય તેવી શક્યતાઓ છે. એફપીઓ પાર્ટલી પેઇડઅપ ધરાવતો રહેશે એટલે કે પહેલા તબક્કામાં 10000 કરોડનો રહે તેવી સંભાવનાઓ માર્કેટ એનાલિસ્ટો દર્શાવી રહ્યાં છે. કંપનીએ FPO માટેના રોડ શો ડિસેમ્બરમાં શરૂ કર્યા હતા.
માર્કેટ નિષ્ણાતોના મતે આ અત્યાર સુધીનો બીજો સૌથી મોટો એફપીઓ રહેશે. અગાઉ 2015માં કોલ ઇન્ડિયાએ રૂ. 22558 કરોડનો એફપીઓ યોજ્યો હતો. એફપીઓ દ્વારા કંપની ગ્રુપનું દેવું ઘટાડવામાં મદદરૂપ સાબીત થશે તેવો અંદાજ છે. એફપીઓ હેઠળ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના પ્રમોટર્સનો હિસ્સો 3.5% ઘટી શકે છે. સપ્ટેમ્બર 2022 સુધીમાં, અદાણી એન્ટરપ્રાઇઝના 72.63% પ્રમોટરો પાસે હતા, જ્યારે બાકીના 27.37% પબ્લિક શેરહોલ્ડિંગ હતું. અદાણી એન્ટરપ્રાઈઝ સેબીની ફાસ્ટ-ટ્રેક એફપીઓ મિકેનિઝમ હેઠળ શરૂ કરવા માંગે છે.
એફપીઓ હેઠળ અદાણી એન્ટરપ્રાઈઝ પાર્ટલી પેઈડ-અપ શેર્સ ઈશ્યૂ કરી શકે છે. જેમાં રિટેલ રોકાણકારોને ડિસ્કાઉન્ટની શક્યતા છે. છેલ્લા એક વર્ષમાં અદાણી એન્ટરપ્રાઈઝનો સ્ટોક 94 ટકા અને પાંચ વર્ષમાં 1760 ટકા વધી અત્યારે બીએસઇ ખાતે રૂ.3638.85 ક્વોટ થઇ રહ્યો છે. મોટી સાઇઝના એફપીઓથી માર્કેટમાં ફરી મજબૂત સ્થિતી જોવા મળી શકે.