દેશનાં અનેક રાજ્યોમાં શીતલહેર છે. હવામાન વિભાગ અનુસાર રાજધાની દિલ્હીમાં શીતલહેરે 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. બુધવારે દિલ્હીમાં શીતલહેરનો આઠમો દિવસ હતો, જે છેલ્લાં 12 વર્ષમાં એક મહિનામાં સૌથી વધુ છે. અગાઉ જાન્યુઆરી, 2020માં દિલ્હીમાં 7 દિવસ સુધી શીતલહેરનો દોર હતો.
હવામાન વિશેષજ્ઞો અનુસાર, 23-24 જાન્યુઆરીએ ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ, લદ્દાખ, ઉત્તરાખંડમાં વરસાદની સાથે જ હિમવર્ષા પણ થશે. તેની અસર રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપીમાં જોવા મળશે. 26 જાન્યુઆરીથી ઉત્તર ભારતમાં હવામાન સ્વચ્છ થવાનું શરૂ થશે.
રાજસ્થાન: આગામી સપ્તાહે કરા પડવાની આગાહી
રાજસ્થાનમાં શીતલહેરની વચ્ચે વરસાદ અને કરા પડવાનું એલર્ટ છે. આગામી સપ્તાહે વરસાદની સાથે કરા પડી શકે છે. 23 અને 24 જાન્યુઆરીએ રાજસ્થાન સહિત ઉત્તર અને મધ્ય ભારતના અનેક ભાગમાં માવઠું થવાની સંભાવના છે. ચુરુ, ફતેહપુર, માઉન્ટ આબુમાં સતત પાંચમા દિવસે તાપમાન શૂન્યથી નીચે રહ્યું છે.