આતંકી સંગઠન હમાસ દ્વારા 7 ઓક્ટોબરે કરવામાં આવેલા હુમલાના 24 કલાકની અંદર ઈઝરાયલે 3.60 લાખથી વધુ રિઝર્વ સૈનિકોને ફરજ પર બોલાવ્યા અને ગાઝા બોર્ડર પર દોઢ લાખથી વધુ સૈનિકો તહેનાત કર્યા. 20 દિવસ વીતી ગયા તેમ છતાં ઇઝરાયલની સેના હજુ પણ તે જ જગ્યાએ છે. હકીકતમાં હમાસ વિરૂદ્ધ કેવી રીતે કાર્યવાહી થવી જોઈએ? તે મુદ્દે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને ઈઝરાયલની સેના સહમત થઈ શકી નથી. નેતન્યાહૂ અને સેના બંને એકબીજાની યોજના સાથે સહમત નથી.
20 દિવસ પછી પ્રથમ વખત ગુરુવારે ઇઝરાયલની ટેન્ક ગાઝા સરહદમાં પ્રવેશી હતી. ટાર્ગેટ દરોડાના એક કલાક પછી પરત ફરી હતી. સેનાએ કહ્યું છે કે ગિવાટી ઇન્ફેન્ટ્રી બ્રિગેડ અને 162માં આમન્ડ વિભાગે આ કાર્યવાહી કરી છે. ઘણા આતંકી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ લોન્ચ પેડ્સનો નાશ કરાયો હતો. જેનો ઉપયોગ હમાસ ઈઝરાયલી સેના પર કરવાના હતા.
દાવો: અમેરિકા આયર્ન ડોમને અપડેટ કરશે
25 ઓક્ટોબરના રોજ ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાઝા પરના હુમલામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે જેથી અમેરિકાને હવાઈ સંરક્ષણને મજબૂત કરવા માટે સમય આપવામાં આવે. નેતન્યાહૂની નજીકના લોકો મીડિયામાં દલીલ કરી રહ્યા છે કે ઇઝરાયલી સૈન્ય તૈયાર નથી, આક્રમણ સૈનિકો માટે ખતરો છે.