રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 3-4 દિવસ સુધી કાતિલ ઠંડી રહ્યા બાદ બુધવારે તાપમાનનો પારો ઊંચકાયો હતો. અને કાતિલ ઠંડી થોડી ઠંડી પડી હતી. કેશોદ અને અમરેલીમાં 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. લઘુતમની સાથે મહત્તમ તાપમાન પણ ઊંચકાયું હતું અને પવનની ઝડપ ઘટી હતી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે આઠ દિવસ સુધી ડબલ ડિજિટમાં તાપમાન રહેશે.
બુધવારે અમરેલીમાં 8.4, ભાવનગરમાં 12, દ્વારકા 15, ઓખા 17.9, પોરબંદર 12, રાજકોટ 10.9, વેરાવળ-દીવ 12, સુરેન્દ્રનગર 12.5, મહુવા 10.1 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાન સૌથી વધુ મહુવામાં 31.2 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા ત્રણ દિવસથી લોકો સતત ઠંડીમાં ઠૂંઠવાયા હતા. ઠંડીથી બચવા માટે લોકો શાલ, સ્વેટરમાં ઢબૂરાયા જોવા મળ્યા હતા.
શાળા-કોલેજમાં પણ બાળકોની હાજરી ઓછી જોવા મળતી હતી. તેમજ યાર્ડમાં શાકભાજી- જણસીની આવક ઘટી હતી. બુધવારે યાર્ડમાં વિવિધ જણસીની આવક પણ વધી હતી. વેપારીઓના જણાવ્યાનુસાર જો ઠંડી હવે ઓછી પડશે તો આવક યથાવત્ રહેશે. સમગ્ર ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 3.8 ડિગ્રી રહ્યું હતું. જ્યારે ડીસામાં 8.8, ગાંધીનગરમાં 9.4, ભુજ 9.2, કંડલા પોર્ટ પર 9.1 ડિગ્રી લઘુતમ તાપમાન હતું.