મૂળ ગોંડલના વાસાવડના અને છેલ્લા 15 વર્ષથી રાજકોટમાં ગોંડલ રોડ પર સાંઢિયા પુલ પાસે આવેલી રીદ્ધિ-સિદ્ધી સોસાયટીમાં રહેતા 30 વર્ષના ભજીયાના કારીગરની હિસ્ટ્રીશીટરે છરીનો ઘા ઝીંકી હત્યા કરી નાખી આરોપી સામેથી ભક્તિનગર પોલીસમાં હાજર થઇ ગયો હતો.
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાવનગર અને અલંગ સહિતના વિસ્તારોમાં જઇને ભજીયાપાર્ટીનું આયોજન કરવાનો ધંધો કરતો સંજય મહેશભાઇ મારડિયા (ઉ.વ.30) બુધવારે મોડી સાંજ બાદ ઘરેથી નીકળ્યા બાદ તેની લોહીલુહાણ હાલતમાં અટિકા પાસે રાજકમલ ફાટક પાસેથી લાશ મળી આવી હતી. પોલીસ તપાસ કરતા સંજય મારડિયાને ઇંડાની રેંકડીએ આજીડેમ વિસ્તારના હિસ્ટ્રીશીટર ભરત હમીરદાન ગઢવી સાથે માથાકૂટ થતાં ભરતે જ સંજયને છરીનો ઘા ઝીંકીને પતાવી દીધાનું બહાર આવ્યું હતું. આ ઘટના બાદ આરોપી ભરતદાન ગઢવી ભક્તિનગર પોલીસ મથકમાં સામેથી રજૂ થઇ ગયાનું જાણવા મળે છે.