યુ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થવા સાથે આર્થિક ગતિવિધિઓ મજબૂત બનતા અને પરિણામે ભારતનું અર્થતંત્ર પણ વેગવાન બન્યું હોવાના અહેવાલો વચ્ચે નાણાકીય વર્ષ 2024-25 પૂરું થવા આડે હવે અઠવાડિયું રહી ગયું હોઈ ઓવરસોલ્ડ ભારતીય શેરબજારમાં માર્ચ એન્ડિંગ પૂર્વે વિદેશી સંસ્થાકીય રોકાણકારો શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપી આકર્ષક વેલ્યુએશને ખરીદદાર બની જતાં આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા 2, એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાદવા જઈ રહી હોઈ અને યુક્રેન મામલે રશીયાની શરતી યુદ્વ વિરામની તૈયારી અને ઈઝરાયેલ દ્વારા હમાસ પર હુમલાને લઈ જીઓપોલિટીકલ ચિંતાને લઈ યુરોપ, એશીયાના મોટાભાગના બજારોમાં નરમાઈ સામે ભારતીય શેરબજારમાં છેલ્લા એકાદ મહિનાથી નોંધાયેલા કરેક્શન બાદ હવે તેજી જોવા મળી રહી છે. એકંદરે સાર્વત્રિક લેવાલીના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડીમાં આજે 4.21 લાખ કરોડના વધારા સાથે છેલ્લા છ ટ્રેડિંગ સેશનથી નોંધાયેલી તેજીના પગલે રોકાણકારોની મૂડીમાં 27.11 લાખ કરોડનો વધારો થયો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડ રિઝર્વ દ્વારા ચાલું વર્ષે બે વખત રેટ કટ કરવાની જાહેરાત કરતાં ડોલર ઈન્ડેક્સ નબળો પડતા રૂપિયાના મૂલ્યમાં સુધારો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવ પણ ઘટતા અટકી સુધારા તરફી રહ્યા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.32% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.17% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેકસ, યુટીલીટીઝ, પાવર, ઇન્ડસ્ટ્રીયલ, ફાઈનાન્શિયલ સર્વિસીસ અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.