દુનિયાના કેટલાક દેશોની આરોગ્ય વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઇ ગઇ છે. જે દેશોમાં વર્લ્ડ ક્લાસ હેલ્થ આરોગ્યની વ્યવસ્થા છે ત્યાં પણ હોસ્પિટલોમાં લોકોના મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે. બ્રિટનની રાષ્ટ્રીય આરોગ્ય સેવા (એનએચએસ) યોગ્ય રીતે કામ કરી રહી નથી. સ્થિતિ એ છે કે હાર્ટએટેક આવવાની સ્થિતિમાં પણ દર્દીને એમ્બ્યુલન્સ માટે 90 મિનિટ સુધીની રાહ જોવી પડી શકે છે.
કેનેડામાં સ્થિતિ એટલી ખરાબ છે કે બાળકોની હોસ્પિટલમાં ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન રેડક્રોસને બોલાવવાની ફરજ પડી છે. હોસ્પિટલમાં કર્મચારીઓ ઓછા હોવાના કારણે રેડક્રોસ સાથે જોડાયેલા લોકોએ કામ કર્યું છે. સ્વિત્ઝર્લેન્ડ સહિત સમગ્ર યુરોપમાં માત્ર એક વર્ષના ગાળામાં મૃત્યુદર 10 ટકા સુધી વધી ગયો છે. ખાસ કરીને ઠંડીના દિવસોમાં બીમારીઓ વધી જાય છે. આ ગાળા દરમિયાન લોકોને વધારે કાળજીની જરૂર હોય છે.
લોકો હેલ્થ ઇમર્જન્સી નંબર પર ફોન કરે છે પરંતુ કોઇ જવાબ આપતા નથી. આનું મોટું કારણ એ છે કે નર્સિંગ સ્ટાફ અને તબીબોના પગાર ખૂબ ઓછા છે. ઇટાલી અને બ્રિટન જેવા દેશ કોરોનાથી પહેલાં આરોગ્ય પર જીડીપીના મર્યાદિત હિસ્સાને ખર્ચ કરતા હતા. કેટલીક વખત તો તેમાં પણ કાપ મૂકતા હતા. ઇટાલી અને બ્રિટનના આ વલણના કારણે લોકો હવે કિંમત ચૂકવી રહ્યા છે. કોરોના દરમિયાન કેટલીક હોસ્પિટલોમાં તો નોનકોવિડ દર્દીઓને દાખલ કરવા જ બંધ કરી દીધા હતા.