અફઘાનિસ્તાનનો સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાન, દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર કગિસો રબાડા અને ઈંગ્લેન્ડનો વિસ્ફોટક બેટર લિયામ લિવંગસ્ટોન મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાયા છે. આકાશ અંબાણીએ કહ્યુ, 'અમે મુંબઈ ઈન્ડિયન્સની જેમ મજબૂત અને કોર ટીમ બનાવવા પરત ડગલું માંડી દીધુ છે. મને રાશિદ ખાન, કગિસો રબાડા અને લિયામ લિવિંગસ્ટોનનું સ્વાગત કરવામાં ખુશી થઈ રહી છે.'
ક્યાંક તમે વિચારી રહ્યાં તો નથી કે આઈપીએલમાં આ દિગ્ગજ ખેલાડી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા જોવા મળશે. જો તમે આ વિચારી રહ્યાં હોવ તો તમે ખોટા છો. હકીકતમાં આ ખેલાડી દક્ષિણ આફ્રિકા ટી20 લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ MI કેપટાઉનમાં રમશે. રાશિદ, લિવિંગસ્ટોન અને રબાડા ક્રિકેટ દક્ષિણ આફ્રિકાની ટી20 લીગની પ્રથમ સીઝનમાં મુંબઈ કેપટાઉન માટે રમશે.
આઈપીએલમાં મુંબઈ માટે રમનાર ડેવાલ્ડ બ્રેવિસ અને ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી સેમ કરનને પણ આ ટીમે સીધા ખરીદ્યા છે. રાશિદ આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ તો રબાડા અને લિવિંગસ્ટોન પંજાબ માટે અને સેમ કરન ચેન્નઈ માટે રમતો હતો.
મુંબઈ કેપટાઉનના માલિક આકાશ અંબાણીએ કહ્યુ- અમે મુંબઈ ઈન્ડિયન્સની જેમ મજબૂત કોર ટીમ બનાવવા માટેની શરૂઆત કરી છે. મને રાશિદ ખાન, કગિસો રબાડા અને લિયામ લિવિંગસ્ટોનનું સ્વાગત કરવામાં ખુશી થઈ રહી છે.
ફરી સીએસકે માટે રમતો જોવા મળશે ફાફ
સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને લાંબા સમય સુધી ચેન્નઈ માટે આઈપીએલ રમનાર અનુભવી બેટર ફાફ ડુ પ્લેસિસ ફરી સુપર કિંગ્સ માટે રમતો જોવા મળશે. હકીકતમાં સુપર કિંગ્સે આગામી આફ્રિકા ટી20 લીગમાં પોતાની ટીમમાં સાઇન કર્યો છે. આફ્રિકાનો પૂર્વ કેપ્ટન 10 વર્ષ સુધી ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરી ચુક્યો છે. પરંતુ પાછલી સીઝનમાં તે બેંગલોરનો કેપ્ટન બની ગયો હતો.