ચીનના દેવામાં ડૂબેલા શ્રીલંકાનું સંકટ ઘટી રહ્યું નથી. મોંઘવારીનો દર 57 ટકા સુધી પહોંચી ગયો છે. આર્થિક કટોકટીના કારણે ખાવાપીવાની ચીજોની સાથે ફ્યૂઅલ તેમજ દવાઓની કટોકટી ઊભી થઇ ગઇ છે. આનાં પરિણામે શ્રીલંકાને સુરક્ષા સાથે બાંધછોડ કરવાની ફરજ પડી રહી છે. શ્રીલંકા પોતાના વર્તમાન બે લાખ જવાનોના સંખ્યાબળને એક તૃતીયાંશ સુધી ઘટાડી દેવાની તૈયારીમાં છે.
શ્રીલંકા જવાનોની સંખ્યા ઘટાડીને 1.35 લાખ સુધી રાખવા ઇચ્છુક છે. એટલું જ નહીં, 2030 સુધી તે જવાનોની સંખ્યા અડધી કરીને એક લાખ સુધી મર્યાદિત કરી શકે છે. અલબત્ત આ સંબંધમાં સરકારનું કહેવું છે કે તે જવાનોની સંખ્યા ઘટાડીને ટેક્નોલોજીની દ્રષ્ટિએ જવાનોને આધુનિક કરવા ઇચ્છે છે. સંકટમાંથી બહાર આવવા માટે શ્રીલંકા પોતાના વાર્ષિક બજેટમાં પણ છ ટકાનો કાપ મૂકશે. દરમિયાન ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરના પ્રવાસથી શ્રીલંકાને રાહત મળી છે. તેમના કોલંબો પહોંચવાથી શ્રીલંકાને આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળથી લોન મળવાનો માર્ગ મોકળો થઇ ગયો છે.