બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 260 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારતે બુધવારે ધ ગાબા સ્ટેડિયમમાં મેચના છેલ્લા દિવસે 252/9ના સ્કોર સાથે રમવાની શરૂઆત કરી હતી. જસપ્રીત બુમરાહ અને આકાશ દીપની જોડી માત્ર 8 વધુ રન બનાવી શકી હતી. બંને વચ્ચે 47 રનની ભાગીદારી થઈ હતી. હાલ વરસાદના કારણે મેચને રોકવી પડી છે.
કેએલ રાહુલે 84 રન અને રવીન્દ્ર જાડેજાએ 77 રનની ઇનિંગ રમી હતી. બાકીના બેટર્સ સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે 4 વિકેટ ઝડપી હતી. મિચેલ સ્ટાર્કને 3 વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ શનિવારે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. હાલમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 1-1ની બરાબરી પર છે. ભારતે પ્રથમ ટેસ્ટ 295 રને જીતી હતી જ્યારે ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટ 10 વિકેટે જીતી હતી.