ઇસ્કોન બ્રિજ પર 20 જુલાઇ 2023ની મોડી રાત્રે પૂરપાટ ઝડપે જેગુઆર કાર હંકારી 9ને કચડી નાખનારા માલેતુજાર આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ પોલીસે રાજય સરકારના આદેશથી માત્ર 7 દિવસમાં 1684 પાનાનું ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. અને તે વખતે ગૃહ રાજ્યમંત્રી 1 વર્ષમાં આરોપી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી પૂરી કરવાની હૈયા ધારણા પણ આપેલી પરંતુ કાયદાની જોગવાઇઓની આંટીઘૂંટીના કારણે 21 મહિના પછી પણ આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ આરોપનામું (ચાર્જફ્રેમ) ઘડાયું નથી. જેથી ભોગ બનનારના પરિવારજનોને ન્યાય મળવા વિલંબ થઇ રહ્યો છે.
આરોપી સામે 21 મહિના પછી પણ આરોપનામું ઘડાયું નથી તેની પાછળ કાયદાની જોગવાઇઓની આંટીઘૂંટીના કારણે નીચલી કોર્ટથી લઇને સુપ્રીમ કોર્ટ સુધી કરેલી વિવિધ પ્રકારની અરજીઓ કારણભૂત છે. સિનિયર ધારાશાસ્ત્રી અનિલ કેલ્લાએ જણાવ્યું કે, ભારતના બંધારણ અને જુદા જુદા કાયદાઓમાં દરેક આરોપીને બચાવ માટે પૂરતી તક આપવી તેવી જોગવાઇ છે. આરોપીને એવું લાગે કે, પોલીસે કરેલ ચાર્જશીટમાં તેની સામે વિવિધ કલમો હેઠળ ગુનો બનતો નથી. અને આરોપનામું ઘડવા માટે પૂરતો પુરાવો નથી. તો આરોપી તરફે ડિસ્ચાર્જ અરજી કોર્ટમાં કરતા હોય છે. અને આરોપી નીચલી કોર્ટથી લઇને સુપ્રિમ સુધી જતા હોય છે. કાયદાની આંટીઘૂંટીના કારણે કેસની ટ્રાયલ શરૂ થઈ શકી નથી.
તથ્ય પટેલે તેની વિરુધ્ધ પોલીસે ચાર્જશીટ કર્યા બાદ પોતાની વિરુદ્ધ લગાવેલી મનુષ્ય સાપરાધ વધની કલમ હેઠળ ગુનો બનતો નથી. તેવી અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરી હતી. તેમજ તેના દાદાના નિધન વખતે પણ વચગાળાની જામીન અરજી કરી હતી. ત્યારબાદ કાયમી જામીન અરજી કરી હતી. એ પછી પોતે નિર્દોષ હોવાથી કેસ રદ કરવા માટે ડિસ્ચાર્જ અરજી કરી હતી.