બગસરા નગરપાલિકાના સતાધારી પક્ષના સદસ્યોને રૂપિયા દસ-દસ હજારની વહેચણી થતી હોવાનો વિડીયો આજે સોશ્યલ મિડીયામા વાયરલ થતા શહેરમા ભારે ચકચાર મચી હતી. દર મહિને સદસ્યોને નિશ્ચિત રકમ મળતી હોવાની ચર્ચા વચ્ચે સતાધીશો ખુલાસો કરવા માટે પણ સામે આવી ગયા હતા.
બગસરા પાલિકાને લઇને એક વિડીયો વાયરલ થયો
અમરેલી જિલ્લામા નગરપાલિકાના સદસ્યોને સતાધીશો દ્વારા દર મહિને નિશ્ચિત કરેલી રકમ આપવામા આવતી હોવાની ચર્ચા તો લાંબા સમયથી છે. પાલિકામા કરોડોની ગ્રાંટ આવે છે અને સદસ્યોએ કોઇ વિરોધ કે વિખવાદ કર્યા વગર જરૂર પડે ત્યાં સહી કરી દેવાની રહે છે. જેના અવેજ પેટે તેને દર મહિને નિશ્ચિત રકમ મળી રહે છે. આવો સમગ્ર વહિવટ અંદરખાને ચાલે છે. પરંતુ આજે બગસરા પાલિકાને લઇને એક વિડીયો વાયરલ થયો હતો. જો કે આ વિડીયોમા સદસ્યો રકમ લેતા સ્પષ્ટ દેખાતા ન હતા. પરંતુ દરેક સદસ્યોને ગણીને દસ હજાર આપવામા આવી રહ્યાં હોવાની વાતચીત સ્પષ્ટ સંભળાતી હતી.