પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ હુમલાઓના માધ્યમથી ઉત્પન્ન થયેલી સહાનુભૂતિનો ફાયદો ઉઠાવી ડોનેશન કાર્ડ રમવા માંડ્યા છે. ફ્લોરિડા ગોલ્ફ કોર્સમાં રવિવારે બનેલી ફાયરિંગની ઘટનાના 1 કલાકની અંદર જ ટ્રમ્પની ટીમે પોતાના 10 લાખ સમર્થકોને ડોનેશનના ઇ-મેલ મોકલી દીધા છે. આ બધા સમર્થકો પહેલા 50-50 ડૉલરનું ડોનેશન આપી ચૂક્યા છે. આ ઇ-મેલની સાથે ડોનેશન માટેની લિન્ક પણ મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કમલા હેરિસ પાસે રૂ. 2500 કરોડ જ્યારે ટ્રમ્પ પાસે રૂ. 1090 કરોડનું ચૂંટણી ફંડ છે.
ટ્રમ્પ ઉપર પેન્સિલ્વેનિયામાં 13 જુલાઈએ સભામાં ફાયરિંગ થયું હતું. તેના પછી ટ્રમ્પે બધાં મહત્ત્વનાં 7 રાજ્યોમાં તત્કાલીન પ્રતિદ્વંદ્વી રાષ્ટ્રપતિ જો બાઇડેન ઉપર 4 %ની લીડ બનાવી હતી. પરંતુ રવિવારે ફ્લોરિડા ફાયરિંગની ઘટના પછી પણ ટ્રમ્પ રેટિંગમાં ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસથી પાછળ પડી રહ્યા છે.
ટ્રમ્પના ફ્લોરિડાના ગોલ્ફ કોર્સમાં ફાયરિંગના આરોપી રાયન વેસ્લી રૂથ (58)ની ધરપકડ કરી એકે-47 જપ્ત કરાઇ હતી. ઘટના સમયે રૂથ ગોલ્ફ કોર્સમાં ટ્રમ્પથી લગભગ 500 મીટર દૂર હતો. સિક્રેટ સર્વિસ એજન્ટને જોઇને સ્થળ ઉપરથી ભાગેલા આરોપી રાયનને બાદમાં હાઇવે ઉપરથી ઝડપી લીધો હતો. એફબીઆઈએ રાયન ઉપર જીવલેણ હુમલો કરવાનો કેસ નોંધ્યો છે. રૂથનો હવાઈ (વિસ્તાર)માં કન્ટ્રક્શનનો નાનો ધંધો છે. રાયનનો પાછલો ક્રિમિનલ રેકોર્ડ પણ છે. તે સોશિયલ મીડિયામાં ટ્રમ્પવિરોધી પોસ્ટ લખતો રહે છે અને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કમલા હેરિસનું સમર્થન કરી રહ્યો છે.