જૈન તીર્થનગરી શેત્રુંજય પર્વત સહિતની સુરક્ષા કડક કરવાના આશયે ગુજરાત ભરમાં ઠેક ઠેકાણે જૈન સમાજે રેલીઓ યોજી શાંત દેખાવો કર્યા બાદ તાત્કાલિક ટાસ્કફોર્સની રચના કરી દેવાઇ હતી પરંતુ ત્યાં થતા અપવિત્ર કામો બેરોકટોક પણે ચાલુ જ રહ્યા હોય જેને લઇને સૌરાષ્ટ્ર સમાચારની ટીમે આ બદ્દીઓને દુર કરવા એક સ્ટીંગ ઓપરેશન હાથ ધરાયું હતું જેના પડઘા ગુજરાત ભરમાં પડ્યા હતા. ત્યાર બાદ સરકારનું પેટનું પાણી હલતા તાત્કાલિક ધોરણે કડક સુરક્ષા વ્યવસ્થા કરી દેવાઇ હતી અને આજરોજ પી.આઇ.ની પણ બદલી કરી દેવામાં આવી હતી.
પોલીસ બેડામાં ધડમૂળથી ફેરફારના પગલા હાથ ધર્યા
જૈનોની તીર્થનગરી પાલિતાણામાં શેત્રુંજય પર્વત સહીત શહેરમાં ખુલ્લેઆમ દારૂ, મટન વેચવા સહીત તથા અપવિત્ર કામો સામે થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્ર સમાચારની ટીમ દ્વારા સ્ટીંગ ઓપરેશન કરી તેનો અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. જેના ઘેરા પ્રત્યાઘાત છેક રાજ્ય સરકાર સુધી પડ્યા હતા. પરિણામે પોલીસ વિભાગ પણ હરકતમાં આવી ગયો હતો અને તેણે ટાસ્ક ફોર્સ ટીમની રચના જેવા પગલા ભર્યા બાદ પાલિતાણા ટાઉન પોલીસ મથકના પીઆઇની બદલી સહીત પોલીસ બેડામાં ધડમૂળથી ફેરફારના પગલા હાથ ધર્યા હતા.