રાંદેર રહેતા 22 વર્ષીય યુવકે જહાંગીરપુરાની 34 વર્ષીય મહિલા ડોકટર પર રેપ કર્યો છે. બંને જીમમાં પરિચયમાં આવ્યા હતા. દોઢેક વર્ષ પહેલા યુવકે ડોકટરના ઘરે આવી તેના પુત્ર અને પતિને મારી નાખવાની ધમકી આપી તેની મરજી વિરુધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. તે વખતે યુવકે ડોકટરનો બિભત્સ ફોટો અને વીડિયો ઉતારી લઈ બ્લેકમેલ કરતો હતો.
મહિલા ડોકટરે જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ઋષિકેશ ઉર્ફે રિષી બળવંત સોલંકી (22) (રહે, રામનગર સરકારી વસાહત, રાંદેર) સામે બળાત્કારનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. આરોપી ઋષિકેશ હાલમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે. તેણે ડોકટરને બીભત્સ વિડીયો અને ફોટો પતિને બતાવી દેવાની ધમકી આપી નવેમ્બર-20માં બીજીવાર શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદમાં ડોકટરે તમામ સંબંધો કાપી નાખ્યા હતા. છતાં તે એક વર્ષથી હેરાન કરતો હતો. ડોકટર ક્લિનિક પર આવતા જતા રસ્તામાં પણ તેને ગાળો આપી ધમકી આપતો હતો. તબીબે પતિને પણ વાત કરી હતી. ઋષિકેશના પિતા ખાનગી નોકરી કરે છે તથા માતા બહુમાળીમાં સરકારી કર્મચારી છે.