ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલા પછી હવે કેનેડાના એક મંદિરની દીવાલો પર ભારત વિરોધી અને ખાલિસ્તાન સમર્થક નારા લખવાની ઘટના સામે આવી છે. ઓન્ટારિયોના બ્રેમ્પટનમાં ગૌરીશંકર મંદિરમાં મંગળવારે આ ઘટના થઈ. કેનેડામાં રહેતા હિન્દુ આ ઘટનાથી ગુસ્સે ભરાયા છે. મંદિરમાં નિયમિત રીતે આવતા શ્રદ્ધાળુ અનુરાગે કહ્યું કે, કેનેડામાં રહેતો શાંતિપ્રિય ભારતીય સમુદાય નિયમિત રીતે કરોડો ડોલરનો ટેક્સ ભરે છે, પરંતુ અમારી સુરક્ષાની ગેરન્ટી નથી. તેમનો આરોપ છે કે, ભારત વિરોધી તત્ત્વોને કેનેડાના અધિકારીઓ અને પોલીસનું સંરક્ષણ મળે છે. બ્રેમ્પટનના રવિ શર્માએ કહ્યું કે, અમે અહીં સલામતી અનુભવતા નથી. મેયર દરેક ઘટના પછી નિવેદનો આપે છે, પરંતુ હવે તેમના પર ભરોસો નથી. ખાલિસ્તાન સમર્થકો જાણે છે કે, તેઓ કોઈ પણ ઘટના કરશે, તેમના પર કોઈ કાર્યવાહી થવાની નથી.
અન્ય શ્રદ્ધાળુ કમલ ગુપ્તાએ કહ્યું કે, હિન્દુઓ વિરુદ્ધ હેટ ક્રાઈમની ઘટનાઓ અટકાવી શકાઈ નથી. પોલીસે મંદિરો પર હુમલાની ઘટનાઓમાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. ગૌરીશંકર મંદિરના મુખ્ય પુજારી આચાર્ય ધીરેન્દ્ર ત્રિપાઠીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તંત્ર દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે.
છ મહિનામાં મંદિર પર ત્રીજો હુમલો
ગયા વર્ષે જુલાઈમાં રિચમંડના વિષ્ણુ મંદિર અને પછી સપ્ટેમ્બરમાં ટોરેન્ટોના સ્વામિનારાયમ મંદિરમાં ભારત વિરોધી નારા લખવાની ઘટના ઘટી હતી. ગૌરીશંકર મંદિરની ઘટના પછી ભારતીય કોન્સ્યુલેટ જનરલે દોષિતોની ધરપકડની માગણી કરી છે. આ બાજુ બ્રેમ્પ્ટનના મેયર પેટ્રિક બ્રાઉને મંગળવારે ઝડપી કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.