ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના પ્રથમ તબક્કા પછી 58 લાખથી વધુ નામો દૂર કર્યા છે.
સૌથી વધુ નામો કોલકાતાના ચૌરંગી અને કોલકાતા પોર્ટ જેવા વિસ્તારોમાં કાપવામાં આવ્યા છે, જ્યારે શુવેન્દુ અધિકારીની નંદીગ્રામ બેઠકની સરખામણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની ભવાનીપુર બેઠક પર ચાર ગણા વધુ નામો દૂર કરવામાં આવ્યા છે.
ભવાનીપુર બેઠક પર જાન્યુઆરી 2025ની યાદીમાં 1,61,509 મતદારો હતા. તેમાંથી 44,787 નામો દૂર કરવામાં આવ્યા. જ્યારે પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામ, જ્યાં 2,78,212 મતદારો હતા, ત્યાંથી 10,599 નામો દૂર કરવામાં આવ્યા.
જિલ્લાવાર આંકડાઓમાં સાઉથ 24 પરગણા સૌથી ઉપર રહ્યું, જ્યાં 8,16,047 નામો દૂર કરવામાં આવ્યા. આ વિસ્તાર TMC સાંસદ અભિષેક બેનર્જીનો ગઢ માનવામાં આવે છે. તેમણે ડાયમંડ હાર્બર બેઠક પરથી છેલ્લી લોકસભા ચૂંટણીમાં સાત લાખથી વધુ મતોના અંતરથી જીત નોંધાવી હતી.
ચૂંટણી પંચ 16 ડિસેમ્બરે બંગાળમાં નવી મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર કરશે. SIRના ફેઝ-1માં દૂર કરાયેલા નામોના કારણો મતદારનું મૃત્યુ, બીજી જગ્યાએ સ્થળાંતર અને ડુપ્લિકેટ એન્ટ્રી છે. બંગાળમાં 2026માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.