પૂર્વ દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહના પિતા અને એક્ટર યોગરાજ સિંહે હાલમાં જ પોતાની જિંદગી વિશે વાત કરી. તેમણે યુવરાજ સાથે બાળપણમાં થયેલી અનબન વિશે વાત કરી અને પોતાની જિંદગીના સૌથી મોટા આઘાત વિશે જણાવ્યું. યોગરાજ સિંહે એક ઇન્ટરવ્યૂમાં એકલતા, પરિવારથી અંતર અને ભાવનાત્મક દર્દ વિશે ખુલીને જણાવતા કહ્યું કે, હવે તેઓ એકલા રહે છે અને ખાવા સુધી માટે બીજા પર નિર્ભર છે. પહેલી પત્ની શબનમ અને યુવરાજનાં ઘર છોડીને જવાને તેમણે સૌથી મોટો આઘાત ગણાવ્યો.
વિન્ટેજ સ્ટુડિયોને આપેલા ઇન્ટરવ્યૂમાં યોગરાજ સિંહે પહેલી પત્ની શબનમ કૌર અને દીકરા યુવરાજના તેમને છોડીને જવાને જિંદગીનો સૌથી મોટો આઘાત ગણાવ્યો. ત્યાં જ તેમણે ખુલાસો કર્યો કે તે હવે મરવા માટે તૈયાર છે કારણ કે હવે તે જિંદગીમાં કંઈ નથી ઇચ્છતા.
તેમણે પોતાની લાઇફ વિશે વિચાર્યું અને કહ્યું કે સિનેમા અને ક્રિકેટે ભલે તેમને ભટકાવ્યા હોય. પણ અંતે તેમની જિંદગી તે જ વળાંક પર આવી ગઈ છે. જ્યાંથી તેમણે બધું શરૂ કર્યું હતું. જોકે તે પોતાના નિર્ણયોથી ખુશ છે, પણ તેમને જિંદગીમાં એકલતા પણ અનુભવાય છે.