અફઘાનિસ્તાન સરહદ નજીક પાકિસ્તાનના ઉત્તર વજિરિસ્તાનમાં મીરનશાહમાં રહેતા 60 હિન્દુ પરિવાર માટે મંદિર બનાવાશે. આ વિસ્તાર પાકિસ્તાન સેના અને સરકાર માટે માથાના દુઃખાવા સમાન આતંકી સંગઠન તહરિક-એ-તાલિબાન- પાકિસ્તાન (ટીટીપી)નો ગઢ છે. છેલ્લાં દસ વર્ષમાં આ સંગઠનના આતંકીઓ અનેકવાર પાકિસ્તાન સાથે ટકરાઈ ચૂક્યા છે. મીરનશાહમાં ટીટીપી સમાંતર સરકારને પણ મંદિર બનવા સામે કોઈ વાંધો નથી. ઉત્તર વઝિરિસ્તાનના સાંસદ મોહસીન દાવાર કહે છે કે મંદિર માટે જમીનની પસંદગી કરી લેવાઈ છે. અહીં ઝડપથી મંદિર નિર્માણ માટે બજેટ ફાળવાશે. એક તાલિબાની કમાન્ડરે પણ ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે અમે હિંદુઓની સુરક્ષાનું ધ્યાન રાખીએ છીએ.
પૂજા-અર્ચના માટે 150 કિ.મી. દૂર જવું પડે છે, હવે સરળતા રહેશે
મીરનશાહના ઈબરતી દેવીનું કહેવું છે કે અહીં અત્યાર સુધી કોઈ મોટું મંદિર ન હતું. લોકો 150 કિ.મી. દૂર દક્ષિણ વજિરિસ્તાનના વાના શહેર જતા. ઘણા સમયથી અહીં મંદિર બનાવવાની માંગ હતી. મંદિર બનશે તો વાના નહીં જવું પડે. અન્ય એક વૃદ્ધા જમીલા ચંદનું કહેવું છે કે ‘ભાગલા વખતે કેટલાંક હિન્દુ પરિવારો ભારત જતા રહ્યા હતા પણ મોટા ભાગના અહીં જ રહ્યા. સ્થાનિકોએ કોઈ પણ હિન્દુ પરિવારની સંપત્તિ પર કબજો નહોતો કર્યો.’