કોઠારિયા રોડ પર નીલકંઠ સિનેમા નજીક શનિવારે રાત્રે કારખાનેદાર હાર્મિસ હંસરાજભાઇ ગજેરા (ઉ.વ.28)ને ફાઇનાન્સર રણુજાનગરમાં રહેતા દોલતસિંહ ઉર્ફે દોલુ ભાવસિંહ સોલંકીઅે છરીના બે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કરી નાસી છૂટેલા દોલતસિંહને રવિવારે સાંજે ભક્તિનગર પોલીસે ઝડપી લીધો હતો. સોમવારે તેને કોર્ટમાં રજૂ કરાતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. પીઆઇ સરવૈયા સહિતની ટીમ સોમવારે સવારે આરોપી દોલતસિંહને લઇને ઘટનાસ્થળે ગઇ હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
સરાજાહેર હત્યા કરી રોફ જમાવનાર ફાઇનાન્સર દોલતસિંહ પોલીસની હાજરીમાં થરથરતો હતો અને તેણે લોકો સમક્ષ હાથજોડીને માફી માગી હતી. હત્યા કર્યા બાદ કચ્છ ભાગી ગયો હતો અને પરત આવતા તે ઝડપાઇ ગયો હતો.