ભીલવાડામાં કોઇ પણ જગ્યાએ નવા રસ્તા કે ઇમારતો બનવાથી વૃક્ષો કાપવાનો મુદ્દો સપાટીએ આવતા જ એક વ્યક્તિ પોતાની ટીમની સાથે પહોંચી જાય છે. તેઓ વૃક્ષને કપાતા રોકવા વૃક્ષોને ટ્રાન્સપ્લાન્ટ કરે છે એટલે કે તે વૃક્ષ બીજા સ્થળે લગાવી દે છે. અત્યાર સુધી સુધી આ ટીમે એક હજાર કરતા વધારે વૃક્ષોનાં ટ્રાન્સપ્લાન્ટેશન કર્યા છે.
આ વ્યક્તિ શહેરનાં ટેક્સટાઇલ અને પ્રોપર્ટીના વેપારી તિલોકચંદ છાબડા છે. છાબડાને વૃક્ષો માટે ખૂબ પ્રેમ છે. તેઓ કોઇ પણ જગ્યાએ વૃક્ષ કપાય તેમ ઇચ્છતા નથી. આ માટે તેઓ યોગ્ય સ્થળ શોધે છે અને પછી વૃક્ષોને ટ્રાન્સપ્લાન્ટ કરે છે.
છાબડાનાં આ અભિયાનની શરૂઆત સપ્ટેમ્બર 2021માં થઇ હતી. ત્યારે તેઓએ પોતાના ફાર્મ હાઉસમાં બોટલ પામનાં સાત વૃક્ષો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા હતા. એક નવી યોજનાનાં કારણે તે વૃક્ષોને કાપવા પડે એવી સ્થિતિ હતી, પરંતુ તેઓ ઇચ્છતા હતા કે, કોઇ પણ આ સુંદર વૃક્ષો ખતમ ના થાય. આ દરમિયાન તેમને ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશનની સલાહ મળી. છાબડાએ દિલ્હીથી આ કામનાં નિષ્ણાત ભૂપેન્દ્ર ચતુર્વેદીને બોલાવ્યા અને વૃક્ષોનું સફળ ટ્રાન્સપ્લાન્ટેશન કરાવ્યું.
આ ઘટના પછી તેમણે નક્કી કર્યું હતું કે, આ કામ કરવા એક ટીમ જ ઊભી કરી લેવાની જરૂર છે. શહેરમાં કોઇ પણ જગ્યાએ વૃક્ષોને બચાવી લેવા માટે કામ કરે તેવી ટીમ ત્યારબાદ ઊભી કરાઇ. આ અંગે છાબડા કહે છે કે, આ સમગ્ર કામમાં ખૂબ સાવધાની રાખવી પડે છે. જે વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન થવાનું હોય છે, તેની ચારેબાજુ આશરે ચાર ફૂટ ઊંડા ખાડા કરવામાં આવે છે. દોઢથી બે ફૂટ સુધી ખોદકામ કરાયા બાદ તેમાં કોકોપીટ, રેતી, બોવસ્ટિન ભરીને 15-15 દિવસનાં બે તબક્કા પૂર્ણ કરવાનાં હોય છે.