સંયુક્ત રાષ્ટ્રે આખરે પાકિસ્તાની ત્રાસવાદી સંગઠન લશ્કર-એ- તોઈબાના ઉપપ્રમુખ અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. આ નિર્ણય ભારતની મોટી રાજદ્ધારી જીત અને ચીન માટે મોટા ફટકા સમાન છે. મક્કીને વૈશ્વિક ત્રાસવાદીઓની યાદીમાં મૂકવાના ભારત-અમેરિકાના પ્રયાસો આડે ચીને સતત અડચણો ઊભી કરી હતી.
ચીનની પીછેહટ થતાંની સાથે જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે મક્કીને ત્રાસવાદી યાદીમાં મૂકી દીધો છે. આ નિર્ણય બાદ તેની સંપત્તિ જપ્ત કરવા અને યાત્રા-પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાની દિશામાં પગલાં લેવાશે. હથિયાર સંબંધિત પ્રતિબંધ પણ અમલી બનશે. ચીન અને પાકિસ્તાન દ્વારા વૈશ્વિક મંચ પર તેનો સતત બચાવ કરવામાં આવી રહ્યો હતો. ગયા વર્ષે 16મી જૂને ચીને મક્કીને વૈશ્વિક ત્રાસવાદીઓની યાદીમાં સામેલ કરવાના પ્રસ્તાવ પર બ્રેક મારવામાં સફળતા મેળવી હતી. કોઇ પણ વ્યક્તિ અથવા તો સંગઠનને પ્રતિબંધિત સમિતિ હેઠળ યાદીમાં સામેલ કરવાનો નિર્ણય સર્વસંમતિ સાથે લેવામાં આવે છે.
15 સભ્યોની સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય તરીકે વિટોના અધિકાર ધરાવનાર ચીન પ્રથમ દેશ રહ્યા બાદ કેટલીક વખત અડચણો ઊભી કરી હતી. ચીને આ પહેલાં લશ્કરના પ્રમુખ હાફિઝ સઇદના સંબંધી મક્કીનું સમર્થન કર્યુ હતું. બીજી બાજુ ભારત મક્કીની સામે પ્રતિબંધને લઇને સતત દબાણ લાવી રહ્યું હતું. હવે સાત મહિના બાદ ચીનને પોતાના જિદ્દી વલણથી પીછેહટ કરવાની ફરજ પડી છે.