પહલગામની ઘટના બાદ લોકોને ધર્મ પૂછીને વ્યવહાર કરવાનું આહ્વાન કરનાર શ્રી પંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈન્દ્રભારતીબાપુએ વધુ એક પહેલ કરી છે. તેઓએ કેન્દ્ર સરકારને સંબોધીને કહ્યું છે કે, પાકિસ્તાનને ધ્વસ્ત કરી દો અને જો આર્થિક જરૂરિયાત પડે તો મારા આશ્રમમાં જેટલું ધન છે તે તમામ રાષ્ટ્રને અર્પણ કરી દઈશ. તેઓએ એમ પણ કહ્યું હતું કે, ધર્મ અને સંપ્રદાય ઉપરાંત જે સાચા ભારતીય હશે તે સરકારની સાથે રહેશે અને તન, મન, ધનથી ટેકો જાહેર કરશે, પરંતુ જે સાચા ભારતીય હશે તે વાત પર પણ તેઓએ ભાર મૂક્યો હતો.
એક વીડિયો જાહેર કરીને ઈન્દ્રભારતીબાપુએ કહ્યું હતું કે, પાકિસ્તાનને પાકિસ્તાન કહેવાય જ નહિ, તેને નાપાક જ કહેવાય. કારણ કે, તેને પહલગામમાં જે હરકત કરી છે તે સંપૂર્ણપણે નાપાક જ છે. આથી આપણે આ દેશને નાપાક તરીકે જ ઓળખવો જોઈએ. નાપાક દેશ પ્રેરિત આતંકીઓએ નિર્દોષ મહિલાઓ અને બાળકો પર ગોળીઓ ચલાવવાનું કાયરોને શોભે તેવું કામ કર્યું છે. હાલ સરકાર દ્વારા જે પગલાં લેવામાં આવી રહ્યા છે તેને ભારતનો સમગ્ર સાધુ સમાજ ટેકો આપે છે અને ભવિષ્યમાં જે કોઇ પ્રકારની જરૂરિયાત હશે અને તે અંગે જો સાધુ સમાજને સરકાર મદદ માટેનું આહ્વાન કરશે તો દરેક ક્ષેત્રે મદદ કરવા માટેની તૈયારી પણ બતાવી હતી.
આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, પાકિસ્તાનને આ વિશ્વના નકશામાંથી મિટાવી દેવું જોઈએ તેનો ધ્વંશ કરી દેવો જોઈએ. આ માટે આકરા પગલાં લેવા જરૂરી છે અને કોઇપણ દેશને નેસ્તનાબૂદ કરી દેવો હોય તો તેમાં લોકોનો પણ પૂરેપૂરો સહયોગ જોઈએ. આ માટે જ હું આહ્વાન કરું છું કે, સરકારને જો જરૂર પડશે અને તેઓ અમને કહેશે અથવા તો જણાવશે તો મારા આશ્રમમાં જેટલું પણ ધન છે તે તમામ ધન હું રાષ્ટ્રને અર્પણ કરી દઈશ.