દેશમાં મોંઘવારીને લઇને હજુ સામાન્ય જનતાને કોઇ રાહતના અણસાર નથી. દેશમાં જાન્યુઆરી મહિનામાં રિટેલ ફુગાવો આરબીઆઈના નિર્ધારિત લક્ષ્યાંક કરતાં વધુ રહ્યો છે. રિટેલ ફુગાવો જાન્યુઆરીમાં વધીને 6.52 ટકા સાથે ત્રણ મહિ નાના સર્વોચ્ચ સ્તરે નોંધાયો છે. ખાસ કરીને ખાદ્યપદાર્થોની કિંમતોમાં વધારાને કારણે રિટેલ મોંઘવારી પણ વધી છે. જ્યારે જાન્યુઆરી, 2022 દરમિયાન કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (સીપીઆઈ) આધારિત ફુગાવો 6.01 ટકા રહ્યો હતો જે ડિસેમ્બર, 2022 દરમિયાન 5.72 ટકા નોંધાયો હતો.
ગ્રામ્ય વિસ્તારોમાં ફુગાવો 6.85 ટકા સાથે શહેરી વિસ્તારના (6%) કરતાં વધુ હતો. જ્યારે ફૂડ બાસ્કેટ માટે ફુગાવાનો દર જાન્યુઆરીમાં વધીને 5.94 ટકા હતા જે અગાઉ ડિસેમ્બર દરમિયાન 4.19 ટકા હતો. વર્ષ 2022ના પહેલા 10 મહિના દરમિયાન આરબીઆઈના નિર્ધારિત 2-6 ટકાના લક્ષ્યાંક કરતાં ઉપરના સ્તરે રહ્યા બાદ CPI ફુગાવો નવેમ્બર અને ડિસેમ્બરમાં અનુક્રમે ઘટીને 5.88% અને 5.72% રહ્યો હતો. જો કે ગત મહિને તે અપેક્ષા કરતાં વધુ વધ્યો હતો.