Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટમાં નવરાત્રીના ચોથા નોરતે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં પરંપરાગત પોશાકોમાં સજ્જ થઈને સૌ કોઈએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી. શાસ્ત્રી મેદાનમાં યોજાયેલા બામ્બુ બીટ્સ નવરાત્રિ મહોત્સવમાં 'છલડો', 'જોબનિયું', 'શકીરા' અને 'ડીજે બ્રાવો' જેવા ટ્રેન્ડિંગ ગીતો પર યુવાનોએ થનગનાટ કર્યો હતો, જ્યારે 'હાલો મારી સહિયરૂ' જેવા માતાજીના ગીતો પર પણ રાસની જમાવટ જામી હતી. બીજી તરફ, નાનામૌવા રોડ પર આવેલી સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીમાં પ્રાચીન અને અર્વાચીન ગરબાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો, જ્યાં 'ગૌરાંદે માથે ગરબો ઘૂમે...' જેવા પ્રાચીન ગીતોની સાથે 'રંગ ભીની રાધા' જેવા ભજનો પણ ગવાયા હતા. આયોજકોએ ગરબીમાં ભાગ લેનાર તમામ બાળાઓને સોના-ચાંદીની ભેટ આપીને પ્રોત્સાહિત કરી હતી.

શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે આવેલા પવનપુત્ર ગરબી મંડળમાં બાળાઓએ 'મોગલ છેડતા કાળો નાગ' ગીત પર મોગલ માનો ભવ્ય રાસ રજૂ કર્યો હતો. આ ગરબીની સૌથી ખાસ રજૂઆત 'ઓપરેશન સિંદૂર' થીમ પર આધારિત હતી. જેમાં બાળકો ભારતીય સેનાના જવાનોના પોશાકમાં જોવા મળ્યા હતા અને આતંકવાદીઓનો ખાત્મો બોલાવતા હોય તેવું દ્રશ્ય રજૂ કર્યું હતું. આ થીમ આધારિત પ્રસ્તુતિ જોઈને મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી, જેણે આ નોરતાને વધુ ખાસ બનાવ્યો હતો.