રાજકોટ શહેરમાં કોરોનાએ માથું ઊંચક્યું છે અને ફરી 16 કેસ આવતા માત્ર માસમાં જ કોરોના કેસનો આંક વધીને 90 થયો છે જેણે ચિંતા વધારી છે. તંત્ર આ સમય દરમિયાન સિઝનલ ફ્લૂના નવા વેરિયન્ટ સામે લડવાની તૈયારી કરી રહ્યું હતું અને તેના ટેસ્ટિંગ તેમજ આઈસોલેશન વોર્ડની રાહ જોવાઈ રહી હતી ત્યાં જ કોરોનાએ માથું ઊંચક્યું છે તેથી સિઝનલ ફ્લૂની સાથે સાથે હવે કોરોના પાછળ તંત્ર દોડતું થયું છે. બુધવારે જે નવા કેસ નોંધાયા છે તેમાં કોઠારિયા હાઉસિંગ ક્વાર્ટરમાં રહેતા 10 વર્ષના બાળકનો સમાવેશ થાય છે.
બાળકની ઉંમર રસીની ન હોવાથી અપાઈ ન હતી આ ઉપરાંત કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી કે કોન્ટેક્ટ હિસ્ટ્રી મળી નથી તેથી બાળક જે સ્કૂલે જાય છે તેમજ બીજે ક્યાંય પ્રસંગમાં ગયા હતા કે કેમ તે મામલે તપાસ કરી સર્વેલન્સ વધારવામાં આવી રહ્યું છે. બીજી તરફ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી હાઈસ્ટ્રીટ સોસાયટીમાં રહેતી 15 વર્ષની તરુણીને પણ કોરોના હોવાનું સામે આવ્યું છે જોકે તેને રસીના બંને ડોઝ અપાઈ ચૂક્યા છે. આ સિવાયના 14 કેસમાં 7 યુવાન, 5 વૃદ્ધ અને 2 પ્રૌઢ છે.