દેશમાં ઓગસ્ટ મહિનાથી શરૂ થયેલી તહેવારોની સિઝન તેમજ સેમીકન્ડક્ટરની અછત દૂર થવાને કારણે ઓટો સેક્ટરે રફ્તાર પકડી છે. ખાસ કરીને ઓગસ્ટ દરમિયાન મારુતિ સુઝુકી, તાતા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેમજ કિયા જેવી કંપનીઓના વેચાણમાં વૃદ્વિ જોવા મળી હતી.
ઓગસ્ટ 2022 દરમિયાન 30 ટકાની વૃદ્વિ સાથે દેશભરમાં કુલ 3.5 લાખ કારનું વેચાણ થયું હતું. ઓટો સેક્ટર માટે ઓગસ્ટ મહિનો શુકનિયાળ સાબિત થતા 3.5 લાખ કારનું વેચાણ થયું હતું અને ઓગસ્ટ સતત પાંચમો મહિનો રહ્યો હતો જ્યારે કારનું હોલસેલ વેચાણ 3 લાખથી ઉપર રહ્યું હતું. જુલાઇ 2022 દરમિયાન પણ 3.41 લાખ કારનું વેચાણ થયું હતું. દેશની અગ્રણી કંપની મારૂતિએ જ માત્ર ઓગસ્ટ મહિનામાં 1,34,166 યુનિટ્સના વેચાણ સાથે 30 ટકાની વૃદ્વિ નોંધાવી હતી.
દેશના સૌથી મોટા ઓટો ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયાનું પેસેન્જર વાહનોનું વેચાણ ઓગસ્ટ દરમિયાન 30 ટકા વધીને 1,34,166 યુનિટ્સ રહ્યું હતું જે વર્ષ પહેલાના સમાન સમયગાળા દરમિયાન 1,03,187 યુનિટ્સ રહ્યું હતું. બ્રિઝા, અર્ટિગા, એસ-ક્રોસ અને XL6 જેવા યુટિલિટી વાહનોનું વેચાણ 26,932 યુનિટ્સ રહ્યું હતું જે ગત મહિના દરમિયાન 24337 યુનિટ્સ હતું.