વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદમાં કોઈ ત્રીજા પક્ષની સંડોવણીની શક્યતાને સંપૂર્ણપણે નકારી કાઢી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ મામલો મૂળભૂત રીતે દ્વિપક્ષીય મુદ્દો છે. જેને બંને દેશોએ જાતે ઉકેલવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ચીન સાથે ભારતના સંબંધો સારા અને સામાન્ય નથી. તેનું કારણ એ છે કે ચીને 2020માં સરહદ પર સેના તૈનાત કરીને કરારોનું ઉલ્લંઘન કર્યું હતું.
જયશંકર QUAD વિદેશ મંત્રીઓની બેઠક માટે જાપાનની રાજધાની ટોક્યોમાં છે. વિદેશ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે ખરેખર શું મુદ્દો છે તે ઉકેલવા માટે અમે અન્ય દેશો તરફ નથી જોઈ રહ્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જેની વચ્ચે વિવાદ હોયવાટાઘાટો ફક્ત એ બે દેશો વચ્ચે જ થવો જોઈએ. કોઈ ત્રીજા પક્ષે આવી બાબતમાં દખલગીરી ન કરવી જોઈએ.
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ચીન સાથેના અમારા સંબંધો બહુ સારા નથી ચાલી રહ્યા. તેનું કારણ એ છે કે 2020માં કોવિડ દરમિયાન ચીને સરહદી વિસ્તારોમાં મોટી સેના તૈનાત કરીને કરારોનું ઉલ્લંઘન કર્યું હતું. આનાથી તણાવ સર્જાયો હતો, જેના કારણે અથડામણ થઈ હતી અને બંને બાજુના લોકો માર્યા ગયા.