ઉત્તરકાશી ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં યમુનોત્રી હાઈવે પર ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવાના પ્રયાસો 8માં દિવસે પણ જારી રહ્યા હતા. જોકે, તેમને બચાવવાના ચાર પ્રયાસો નિષ્ફળ ગયા છે. 4.8 કિલોમીટર લાંબી ટનલનો એક છેડો સિલ્વાયરામાં અને બીજો છેડો બરકોટમાં છે. મજૂરો સુધી પહોંચવા માટે સિલ્કિયારા મુખની અંદર 70 મીટર સુધી ડ્રિલિંગ ત્રણ વખત રોકવું પડ્યું. દરમિયાન હવે નવી યોજના પર કામ શરૂ થશે. ઉત્તરાખંડના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી રણજિત સિંહાએ જણાવ્યું હતું કે બચાવ કામગીરીના ભાગરૂપે હવે ટનલના બંને મુખ અને બાજુઓથી એક સાથે ચાર ડ્રીલ કરાશે, જે રેલવે નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવશે. ટનલની ટોચ પર વર્ટિકલ ડ્રિલિંગ થશે, જેના માટે રોડ બનાવવામાં આવી રહ્યો છે, જેની દેખરેખ ઓએનજીસીના નિષ્ણાતો કરશે. જિયો સરવેમાં જાણવા મળ્યું છે કે ટનલના સીસી લેવલિંગની ઉપર પહાડનું નરમ પડ છે, જેમાં રોબોટ દ્વારા ડ્રિલિંગ કરવામાં આવશે અને તેને લાઈફ લાઈન વિકલ્પ તરીકે લેવાશે, જેથી કરીને મજૂરો માટે ખોરાક, પાણી અને દવાઓ મોકલી શકાય. આ પહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે બચાવ કામગીરીનો તાગ મેળવ્યો હતો. અંદર ફસાયેલા લોકોના પરિવારજનોને મળ્યા અને તેમને આશ્વાસન આપ્યું હતું. દરમિયાન, પ્રોજેક્ટની ખામીઓ પ્રકાશમાં આવી રહી છે.
વાસ્તવમાં 1400 કરોડના ખર્ચે બની રહેલી આ ટનલનો કોન્ટ્રાક્ટ એનએચઆઈડીસીએલ (નેશનલ હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ)ને આપવામાં આવ્યો હતો. તેણે ઈપીસી (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન) પ્રોજેક્ટ તરીકે નવયુગ કન્સ્ટ્રક્શન કંપનીને પ્રોજેક્ટ સોંપ્યો. ઈપીસી ટેન્ડરની પ્રથમ શરત એ હતી કે ટનલની સમાંતર એસ્કેપ પેસેજ બનાવાશે. પરંતુ તેમ કરવામાં આવ્યું ન હતું.