દેશમાં નાણાવર્ષ 2031 સુધીમાં વાર્ષિક રૂ.30 લાખની આવક ધરાવતા પરિવારોની સંખ્યામાં 11.3 કરોડનો વધારો થશે. એટલે કે, નાણાવર્ષ 2031 સુધીમાં વધુ 11.3 કરોડ પરિવારોની વાર્ષિક આવક રૂ.30 લાખની આસપાસ હશે તેવું યુ ગ્રો કેપિટલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
તે ઉપરાંત દેશમાં વાર્ષિક રૂ.5 લાખથી રૂ.10 લાખની આવક ધરાવતા મધ્યમવર્ગની સંખ્યામાં પણ વર્ષ 2031 સુધીમાં 28.3 કરોડનો વધારો થશે. છેલ્લા 30 વર્ષમાં ભારતે 16 વર્ષ દરમિયાન વાર્ષિક 7%નો આર્થિક વૃદ્ધિદર હાંસલ કર્યો છે. અત્યારનો તબક્કો આ ઉચ્ચ વૃદ્ધિદરને ટકાવી રાખવા માટે સાનુકૂળ છે. ઉદાહરણ તરીકે, દેશનો કોર ફુગાવો નાણાવર્ષ 2024માં ચાર વર્ષના તળિયે છે, અત્યારની રાજકોષીય ખાધ સરપ્લસમાં છે અને ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ્સનો ગુણોત્તર પણ માર્ચ 2024 સુધીમાં 2.8% સાથે અનેક વર્ષોના તળિયે છે. આ બધા પરિબળો પરિવારોની આવકમાં સ્થિરતામાં મહત્વપૂર્ણ યોગદાન પૂરું પાડી રહ્યાં છે.
રિપોર્ટ અનુસાર દેશનું બાહ્ય સેક્ટર મજબૂત રહ્યું છે, જેમાં મુખ્ય કેટલાક સૂચકાંકોમાં સુધારો જોવા મળી રહ્યો છે. ભારત વર્ષ 2027 સુધીમાં જીડીપીની દૃષ્ટિએ જર્મનીથી આગળ વધવાના ટ્રેક પર છે. જે વૈશ્વિક ફલક પર દેશની મજબૂત આર્થિક સ્થિતિનો ઇશારો કરે છે. માત્ર સ્થાનિક સ્તરે ગ્રોથ નહીં પરંતુ વૈશ્વિક વૃદ્ધિમાં પણ ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારતનું વૈશ્વિક જીડીપીમાં યોગદાન વર્ષ 2009 થી 2029 વચ્ચે બમણું થશે, જે વૈશ્વિક અર્થતંત્રમાં ભૂમિકામાં સતત વિસ્તરણ દર્શાવે છે.