રાજકોટમાં આમ આદમી પાર્ટીએ પોતાના રોજગાર કાર્ડનો કાર્યક્રમ જાહેર કર્યો છે અને અલગ અલગ 3 ગેરંટી આપતા કાર્ડ રજિસ્ટ્રેશન નંબર સાથે રજૂ કર્યા છે. આપના પ્રદેશ મંત્રી અજિત લોખીલે જણાવ્યું હતું કે, પાર્ટી ગેરંટી રજિસ્ટ્રેશન કેમ્પેન શરૂ કરશે. જેમાં આપના કાર્યકર ફોર્મ લઈને ઘર ઘર સુધી જશે. રજિસ્ટ્રેશન નંબર, વ્યક્તિનું નામ, ગામ કે વોર્ડનો નંબર, વ્યક્તિનો મોબાઈલ નંબર અને કઈ વિધાનસભા છે તે લખીને રજિસ્ટ્રેશન કરાશે.
ફોર્મની પાવતી રાખીને દરેકને ગેરંટી કાર્ડ આપવામાં આવશે જેમાં રોજગાર ગેરંટી કાર્ડ, મહિલા ગેરંટી કાર્ડ અને વીજળી ગેરંટી કાર્ડ આપશે. આ રીતે આપનું વિઝન સર્ટિફિકેટ અને ગેરંટીના રૂપમાં પહોંચાડાશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રજિસ્ટ્રેશનનો પ્રથમ તબક્કો છે પાર્ટીએ આ 3 ઉપરાંત આદિવાસી સમાજ, વેપારીવર્ગ, યુવા વર્ગ અને સ્વાસ્થ્યને લગતી ગેરંટી આપી છે.
કેજરીવાલ આજે રાજકોટમાં કરશે રાત્રી રોકાણ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત રાજકોટ આવી રહ્યાં છે અને તેઓ રાત્રી રોકાણ કરશે તેમજ અગત્યના મુદ્દે આગેવાનો સાથે બેઠક કરશે તેવું જાણવા મળ્યું છે. કેજરીવાલ શુક્રવારે બપોરે દ્વારકા જઈ રહ્યાં છે ત્યાં ધ્વજારોહણ કરશે અને સભા સંબોધન કરીને અલગ અલગ કાર્યક્રમ આપશે ત્યાંથી બપોર બાદ તેઓ રાજકોટ આવશે. રાજકોટ શહેરમાં તેમનો કોઇ જાહેર કાર્યક્રમ નથી અને ખાનગી હોટેલમાં સીધા ઉતરી બેઠક કરવાના છે. બીજે દિવસે સવારે તેઓ સુરેન્દ્રનગર રવાના થશે જ્યાં કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.