એમેઝોનના સીઇઓ (CEO) એન્ડી જેસીએ કંપનીમાં થઈ રહેલી નવી છટણી (લે-ઓફ) પર કહ્યું છે કે આ નિર્ણય ખર્ચમાં કાપ અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે નથી લેવાયો, પરંતુ કંપનીના કલ્ચરને બહેતર બનાવવા માટે લેવામાં આવ્યો છે. તાજેતરમાં જ કંપનીએ લગભગ 14 હજાર કોર્પોરેટ કર્મચારીઓને છૂટા કર્યા છે.
મીડિયા અહેવાલો અનુસાર, કુલ છટણી 30 હજાર સુધી પહોંચી શકે છે, જે એમેઝોનના ઇતિહાસની સૌથી મોટી કાપ ગણાઈ રહી છે.
5 વર્ષમાં કર્મચારીઓની સંખ્યા ત્રણ ગણી વધી હતી
જેસીએ જણાવ્યું કે કંપનીનું કલ્ચર રીસેટ થઈ રહ્યું છે. 2017થી 2022 સુધીમાં કોર્પોરેટ હેડકાઉન્ટ ત્રણ ગણો વધ્યો હતો. તેના કારણે નિર્ણયો ધીમા થઈ ગયા હતા, પરંતુ હવે તેને નિયંત્રણમાં લેવું જરૂરી છે. તેમણે કહ્યું, જ્યારે કદ વધે છે, ત્યારે ક્યારેક અનુભવ્યા વિના જ કર્મચારીઓમાં માલિકીપણાની (ઓનરશિપ) લાગણી ઓછી થઈ જાય છે.
છટણીમાં મિડલ મેનેજમેન્ટને ઘટાડવાથી નિર્ણયો ઝડપી બનશે અને કંપની વધુ 'એન્ટરપ્રેન્યોરિયલ' બનશે. તેમણે કહ્યું કે ટેક્નોલોજીના આ સમયમાં કંપનીની ગતિ 'લીન, ફ્લેટ અને ફાસ્ટ' રહેવી જરૂરી છે. અમારે ફરીથી એ જ ‘ટુ-વે ડોર’ કલ્ચર લાવવાનું છે, જેમાં લોકો ઝડપથી નિર્ણયો લઈ શકે અને કામની જવાબદારી પોતે ઉઠાવે. એમેઝોન દુનિયાના સૌથી મોટા સ્ટાર્ટઅપની જેમ કામ કરે.