Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નવ દિવસ સુધી માતાજીની ભક્તિભાવે આરાધના કરી નવરાત્રિ પર્વની આસ્થાભેર ઉજવણી કરી. ત્યારે હવે દીપાવલી પર્વના વધામણાં કરવા માટે સૌ કોઇએ તૈયારી કરી લીધી છે. દિવાળી પર્વ એ અંધકારથી ઉજાસ તરફ લઈ જતો પર્વ છે. દિવાળીમાં ઘરે ઘરે દીવડાં પ્રગટે છે. આ પર્વની ઉજવણીમાં આપણી ભારતીય સંસ્કૃતિના પણ દર્શન થાય છે. દિવાળી પર્વ ઉજાસનું પર્વ પણ છે. ત્યારે આ તહેવારની ઉજવણીમાં આપણી એક પહેલથી અન્ય લોકોના જીવનમાં પણ ઉજાસ પથરાય તેવા પ્રયાસો કરવા આપણી નૈતિક ફરજ છે. દિવાળીમાં નાના ફેરિયા કે રોજે-રોજનું કમાતા નાના ધંધાર્થીઓ પાસેથી ચીજવસ્તુની ખરીદી કરીને તેના જીવનમાં અજવાસ પાથરીએ. તેમ રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યું છે.


શ્રી પંચ દશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈન્દ્રભારતીબાપુએ વધુમાં જણાવ્યું છે કે, રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં નાના ફેરિયાઓ કે જે હાથ બનાવટથી દીવડાં, તેમજ ઘર-મંદિરને ડેકોરેશન કરતી શણગારની અનેક ચીજવસ્તુઓ વેચીને આવક મેળવશે. આ આવકમાંથી પોતાના નાનકડા બાળકો અને પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરશે. નાના ફેરિયાઓ પાસે આપણે જ્યારે ખરીદી કરીએ ત્યારે માત્ર આપણે તેની પાસેથી માત્ર ચીજવસ્તુ જ નથી લેતા. તેઓની સાથે આનંદ અને લાગણીની પણ આપ-લે કરીએ છીએ. તેની પાસેથી આ વસ્તુ ખરીદતી વેળાએ તેને કંઈક મેળવ્યાની ખુશી તો આપણને કંઈક આપ્યાની ખુશી અનુભવાઈ છે. તેઓની પાસે આ ચીજવસ્તુની ખરીદી સમયે ખુશી -લાગણીની પણ આપ-લે થાય છે તેનો આનંદ અલગ જ હોય છે. આ લાગણી મોલ-ઓનલાઇન શોપિંગમાં નથી મળતી.આમ, આર્થિક રીતે નબળા, તેમજ રોજે રોજનું કમાઈને ખાતા લોકો પાસેથી દિવાળીમાં ઉપયોગી ચીજવસ્તુની ખરીદી કરીને તેની દિવાળી પણ અજવાસ ભરી બનાવીએ તેવી અપીલ ઈન્દ્રભારતીબાપુએ સમગ્ર રાજકોટવાસી અને ગુજરાતની જનતાને કરી છે.