નાદાર થઇ રહેલા પાકિસ્તાનના લોકો પર મોંઘવારીની સાથે સાથે ત્રાસવાદનો બેવડો માર પડી રહ્યો છે. અમેરિકાના બ્યૂરો ઓફ કાઉન્ટરટેરેરિઝમના અહેવાલમાં દાવો કરાયો છે કે ત્રાસવાદને લઇને પાકિસ્તાનનું વલણ કઠોર હોવાના બદલે અસ્પષ્ટ થઇ રહ્યું છે. આતંકની સામે તેનું વલણ હળવું રહ્યું છે. પાકિસ્તાને નામપૂરતા દેખાવા માટે આતંકીઓની સામે ધીમી ગતિથી કાર્યવાહી કરી છે. તેના તરફથી ચલાવાઇ રહેલા અભિયાનની ગતિ સંતોષજનક નથી. આના કારણે વર્ષ 2020ની સરખામણીમાં 2021માં સામૂહિક હત્યાઓ અને આતંકી ઘટનાઓમાં વધારો થયો છે.
રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં આજે હક્કાની નેટવર્ક, લશ્કર અને જૈશ-એ- મોહમ્મદ, તહરિકે -એ- તાલિબાન પાકિસ્તાન, બલુચિસ્તાન લિબરેશન આર્મી, અને આઇએસઆઇએસ જેવાં ખતરનાક સંગઠન પાકિસ્તાનમાં નેટવર્ક ધરાવે છે. રિપોર્ટ મુજબ આ આતંકી સંગઠનો સતત પાકિસ્તાનના લોકોને જ ટાર્ગેટ બનાવીને તેમની સામૂહિક હત્યાઓ કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં જૈશના સંસ્થાપક મસૂદ અઝહર સામે દેખાવા પૂરતાં પગલાં લીધાં છે.