દેશમાં લક્ઝરી પેદાશોનાં વેચાણમાં દરરોજ નવા નવા રેકોર્ડ સર્જાઇ રહ્યા છે. માર્કેટ ડેટા દર્શાવે છે કે, એક વર્ષમાં લક્ઝરી કારનાં વેચાણમાં 50 ટકાનો વધારો થયો છે. મોંઘા સ્માર્ટ ફોન, મોંઘા ટીવી-ફ્રીઝનાં વેચાણમાં 55-95 ટકાનો વધારો થયો છે. સ્વિસ ઘડિયાળનું માર્કેટ કદ પણ બે ગણુ થયુ છે. જ્યારે ટૂથપેસ્ટ, હેર ઓઇલ, સાબુ જેવી જરૂરી ચીજવસ્તુઓનાં વેચાણમાં વધારાનો દર ખુબ ઓછો અથવા તો નકારાત્મક રહ્યો છે. ઓછી આવક ધરાવતા વર્ગમાં વધારે ઉપયોગ થતા સસ્તા મોબાઇલનાં વેચાણમાં ઘટાડો થયો છે. ટુ વ્હીલર વાહનનાં વેચાણમાં પણ વધારો થયો નથી.
બચત-ખર્ચનાં મોરચે કામ કરી રહેલી સંસ્થાઓએ ચોંકાવનારી માહિતી જારી કરી છે. તેમના મુજબ કોવિડ-19 અને લોકડાઉનની અસરમાંથી સૌથી વધારે આવક ધરાવતા 20 ટકા લોકો બહાર નિકળી ગયા છે. તેમના દ્વારા બજારો ખુલતાની સાથે જ લક્ઝરી ચીજોની ખરીદી શરૂ થઇ હતી. સૌથી નીચલા સ્તરનાં 20 ટકા લોકો હજુ મુશ્કેલમાંથી બહાર આવી શક્યા નથી. આ વર્ગનાં લોકો જીવનજરૂરી ચીજો પણ સાવધાનીપૂર્વક ખરીદી રહ્યા છે. તેમને આઘાતમાંથી બહાર આવવામાં હજુ એક વર્ષ લાગી શકે છે. સાથે લક્ઝરી પેદાશોનાં વેચાણની આ ગતિ પણ કદાચ યથાવત રહેશે નહીં.