દેશમાં ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર દરમિયાન મજબૂત માંગને પગલે સાત શહેરમાં હાઉસિંગ સેક્ટરનું વેચાણ વોલ્યુમની દૃષ્ટિએ 11 ટકા વધ્યું છે. ઇકરાએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં દેશના મુખ્ય સાત શહેરમાં કુલ વેચાણ 149 મિલિયન સ્ક્વેર ફૂટ નોંધાયું હતું, જે છેલ્લા 10 વર્ષમાં કોઇ એક ક્વાર્ટરમાં નોંધાયેલું સર્વાધિક વેચાણ છે. નાણાકીય વર્ષ 2023ના પહેલા 9 મહિના દરમિયાન વેચાણ થયેલો વિસ્તાર પણ ગત વર્ષના સમાન સમયગાળાના 307 મિલિયન સ્ક્વેર ફૂટથી વધીને 412 મિલિયન સ્ક્વેર ફૂટ નોંધાયો છે.
ઇકરા અનુસાર કોવિડ મહામારી બાદ દેશના મુખ્ય સાત શહેરો - બેંગ્લુરુ, ચેન્નાઇ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઇ મેટ્રોપોલિટન રીજન (MMR), NCR અને પુણેમાં ખાસ કરીને વેચાણના ટ્રેન્ડમાં લક્ઝરીથી લઇને મિડ સેગમેન્ટમાં ફેરફાર જોવા મળ્યો છે. એપ્રિલ-ડિસેમ્બર, 2023 દરમિયાન ખાસ કરીને એકંદરે કુલ વેચાણમાં લક્ઝરી અને મીડ સેગમેન્ટનો હિસ્સો નાણાકીય વર્ષ 2020ના અનુક્રમે 14 ટકા અને 36 ટકાથી વધીને 16 ટકા અને 42 ટકા નોંધાયો છે.