ગુરુવારે વહેલી સવારે રાજકોટ મહાનગરપાલિકાની ઢોરપકડ પાર્ટીની ઉપર મિર્ચી સ્પ્રેથી હુમલો કરી બે અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. અમૂલ સર્કલ પાસે બનેલી આ ઘટનાના ઘેરા પ્રતિઘાત પડ્યા હતા અને ઢોરપકડની કામગીરી અટકાવવા હુમલો થયાનું અધિકારીઓએ જણાવી પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. જેના બીજા જ દિવસે મનપાએ 40 રખડતા ઢોર પાંજરે પૂર્યા છે જે સામાન્ય દિવસ કરતા 3 ગણા છે.
કર્મચારીઓ પર હુમલો કરીને કામગીરી રોકવા પ્રયાસ કરાયો હતો પણ કર્મચારીઓનુ મનોબળ ન તૂટે તે માટે 30 વધારાના મજૂરો રોકીને ઢોરપકડ પાર્ટીના કર્મચારીઓની કુલ સંખ્યા 100 કરી અલગ-અલગ વિસ્તારોમા તંત્ર તૂટી પડ્યું હતું. સામાન્ય દિવસોમાં રોજના 12થી 15 અને કોઇ કોઇ દિવસ 20 ઢોર પકડાય છે પણ શુક્રવારે 40 પકડીને 3 ગણી કામગીરી બતાવી હુમલાનો જવાબ આપ્યો હતો. આ આંક હજુ સાંજ સુધીનો છે અને આખી રાત કામગીરી ચાલશે તેથી તેના કરતા પણ આંક વધે તેવી શક્યતા છે.
તંત્રના જણાવ્યા અનુસાર ઢોરપકડ પાર્ટીમાં મજૂરોની સંખ્યા વધારવા ઉપરાંત સુરક્ષા જવાનોની સંખ્યા પણ વધારી છે અને શહેર પોલીસે પણ બંદોબસ્ત આપ્યો છે જેથી પથ્થરમારા જેવા બનાવ બને તો તુરંત જ કાર્યવાહી કરી શકાય.